સત્ય વિચાર દૈનિક

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી વખતે ગુલાલ ઉડાડતા આગ લાગી

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી વખતે ગુલાલ ઉડાડતા આગ લાગી

પૂજારી સહિત 14 લોકો દાઝ્યા ; 9ની હાલત નાજુક

ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે ઘટનાની તપાસના આદેશ આપ્યા

            ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગતાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા . જેમાંથી 9ની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા.

            ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ ઉડાવ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.

ગર્ભગૃહમાં ચાંદીના અસ્તરને રંગથી બચાવવા માટે ફ્લેક્સ લગાવવામાં આવ્યા હતા. જેના કારણે પણ આગ લાગી હતી. કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ, કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.

            ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કેટલાક ઘાયલોને ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકને ઈન્દોર રિફર કરવામાં આવી રહ્યા છે.

            ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શૃંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે.

            દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરંતુ શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણાં વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.

            ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવ્યો છે, એટલે કે એક દિવસ આખી સૃષ્ટિનો અંત થશે અને તે રાખમાં ફેરવાઈ જશે, આ રાખ એટલે કે ભસ્મ શિવજી ધારણ કરે છે. તેનો સંદેશ એ છે કે, જ્યારે સંસારનો નાશ થશે ત્યારે દરેક પ્રાણીઓની આત્મા અને આખી સૃષ્ટિ શિવજીમાં જ વિલીન થઇ જશે. શાસ્ત્રોની માન્યતા છે કે, સમય-સમય પર પ્રલય થાય છે અને બધું નષ્ટ થઇ જાય છે. ત્યારબાદ બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે અને આ ક્રમ ચાલતો જ રહે છે.

            શિવપુરાણ પ્રમાણે ભસ્મને તૈયાર કરવા માટે કપિલા ગાયનાં છાણાં, પીપળો, વડ, ગરમાળો અને બોરના વૃક્ષની લાકડીઓને એકસાથે અગ્નિ આપવામાં આવે છે. મંત્રોચ્ચાર કરવામાં આવે છે. આ વસ્તુઓથી જે ભસ્મ તૈયાર થાય છે તેને કપડાંથી ચાળવામાં આવે છે. આ પ્રકારે તૈયાર કરેલી ભસ્મ શિવલિંગ પર અર્પિત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!