શીર્ષક : યુવાન હૈયા
રિઠોરાનો બંસી એકવાર પોતાના દોસ્તારો સાથે બરસાનાની લઠ્ઠમાર હોળી રમવા ગયો. ફાટફાટ થતી યુવાનીનાં ઉંબરે આવેલા મિત્રો પણ મન મૂકીને હોળી રમતા હતા. ચારે તરફ ફાગણનો કેસૂડો એવો ખીલ્યો હતો જાણે યુવાન હૈયાનો થનગનાટ ફાટફાટ ન થતો હોય તેવો લાગતો હતો.
ફાગણના ફાગ ખેલતાં નાના-મોટા સર્વેનો થનગનાટ ક્યાંય માતો નો’તો. યુવાનો, બહેન- દીકરીઓ, સ્ત્રીઓ, પુરુષો જાણે દરેકનાં અંગમાં વસંત ઋતુનાં મિત્ર કામદેવે પ્રવેશ કર્યો હોય તેવું વાતાવરણ થઈ ગયું હતું. આજે બધાં જ લાજ શરમ મૂકીને એકબીજાને ચુવા, ચંદન, કંકુ, અબીલ, ગુલાલ, રંગોથી ભરી દેતા હતાં. કેસુડાના પાણીથી નવડાવી દેતાં હતાં.
આજે જાણે બધી મર્યાદાનો લોપ થઈને એકબીજાને ગાળો પણ આપતા હતાં. સૌનું આકર્ષણનું કેન્દ્ર લઠ્ઠમાર હોળી હતું.બંસીને અચાનક એક લલિતા કરીને અલ્લડ યુવતીએ આવીને રંગી દીધો. બંસીના દિલની ધડકન સાથે અંગેઅંગમાં ઝણઝણાટી પ્રગટી ગઈ. બંસીએ પણ લલિતાને કસીને આલિંગન આપીને રંગોથી અને પોતાના તનમનમાં ઉઠેલા આવેગોથી નવડાવી દીધી.
ત્રણ દિવસ ફાગણના ફાગમાં ખેલી બંને એકબીજાને દિલ દઈ બેઠાં. બંને પ્રેમી પંખીડા બનીને ખૂબ હોળી ખેલ્યાં. બરસાનામાં આમાં કોઈને કંઈ અજગતું પણ ન લાગતું. અનુભવી વડીલોની નજરથી આ વાત છાની થોડી રહે!બંનેનાં માવતરે મળીને અખાત્રીજનાં લગનનું નક્કી કરી નાખ્યું. આમાં બંસીને કે લલીતાને કંઈ પૂછવા પણ જ ન હતું. રંગેચંગે અખાત્રીજનાં બંને યુવાન હૈયા વિવાહના બંધનથી બંધાઈને એક થઈ ગયાં.
રશ્મિ સંપટ.
કલમના કસબી સાહિત્ય પરિવાર