હરીશ જોશી – કપડવંજ
અમુલ ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર,મુખ્યમંત્રી,સહકાર મંત્રી તથા તથા જિલ્લા રજીસ્ટ્રારને લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી
ડેરીના સત્તાધારીઓ અને કર્મચારીઓના મનસ્વી નિર્ણયનો આક્ષેપ કરી રજૂઆત કરી
કપડવંજ તાલુકાના આંત્રોલી તાબેના ચારણિયા ગામની ડેરીના સત્તાધારીઓ દ્વારા મનસ્વી વહીવટ કરી ગામના લોકોને ડેરીમાંથી દૂધનું વિતરણ નહીં કરવાનો નિર્ણય કરતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી ગઈ છે.આ બાબતે ગામના અગ્રણીએ અમુલ ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર સહિત રાજ્યના મુખ્યમંત્રી,સહકાર મંત્રી તથા જિલ્લા રજીસ્ટ્રારને લેખિત ફરિયાદ કરીને આ બાબતે ન્યાયની માંગણી કરી છે.
આ અંગે ચારણિયા ગામના અગ્રણી પ્રફુલકુમાર એ.ગઢવીએ અમુલ ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી, સહકાર મંત્રી તેમજ ખેડા જિલ્લા રજીસ્ટ્રારને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે ચારણિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સત્તાધારીઓ અને કર્મચારીઓ દ્વારા ગામના નાગરિકોને ડેરી તરફથી દૂધ વિતરણ નહીં કરવાનો મનસ્વી નિર્ણય કરતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે તેવો આક્ષેપ કર્યો છે.તેઓએ વધુમાં લેખિત ફરિયાદમાં આક્ષેપો કરતા જણાવ્યું છે કે ચારણિયા ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારથી ૮ થી ૧૦ કી.મી. અંદરનું ગામ હોય ત્યાં દૂધની અથવા રોજબરોજની ચીજની ખરીદી માટે દૂરના વિસ્તારમાં જવું પડે છે. દૂધ એ જીવન જરૂરિયાતની વસ્તુ હોય અન્ય નાગરિકોને સરળતાથી દૂધ મળી રહે તેવી વ્યવસ્થા ડેરી તરફથી થાય તે હેતુસર ગામની મંડળી દ્વારા રાહત દરથી દૂધ પુરૂં પાડવામાં આવતું હતું.પરંતુ છેલ્લા ઘણા સમયથી ડેરી તરફથી દૂધ ખરીદવામાં આવે છે પરંતુ તેમના દ્વારા દૂધનું વેચાણ જરૂરિયાતવાળા વ્યક્તિઓને કરવામાં આવતું નથી.જયારે કોઈ વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવે તો ઉધ્ધતાઈ પૂર્વક બેજવાબદાર રીતે જવાબ આપવામાં આવે છે.અને તમારે જે કરવું હોય તે કરી લો તેવું જણાવે છે તેવો આક્ષેપ કર્યો છે.ડેરીમાંથી દૂધ વિતરણ શરૂ કરવામાં આવે તો ગામના વડીલો,બાળકો, ગર્ભવતી મહિલાઓ,નવજાત શિશુઓ તથા મોટાભાગના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત પુરી થાય તેમ છે.આ બાબતે જાગૃતિબેન એમ.ગઢવીના રાજ્યના સહકારી મંડળીઓના રજીસ્ટ્રારને લેખિત ફરિયાદમાં રજીસ્ટ્રારે ગત તા.૩૦-૫-૨૦૨૪ના રોજ જિલ્લા રજીસ્ટ્રારને ચારણિયા દૂધ મંડળીમાં નાગરિકોને ડેરી તરફથી દૂધનું વિતરણ ન કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા અને અરજદારને પ્રત્યુત્તર પાઠવવા જણાવ્યું હોવા છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી.તેથી આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.

