આઉટલુક-આઈ કેર ઇન્ડિયા સ્ટેટ-પ્રાઇવેટ યુનિવર્સિટી રેન્કિંગ્સ-2024
” ટોપ-50 “માં દેશમાં ગણપત યુનિવર્સિટીએ બારમું અને ગુજરાતમાં ત્રીજું ગૌરવવંતું સ્થાન હાસલ કર્યું !
ગુજરાત રાજ્યમાં પીડીઇયુ અને સેપ્ટ યુનિવર્સિટી પછીના ત્રીજા ક્રમનું સ્થાન એટલે પ્રતિષ્ઠાની પાઘડીમાં વધુ એક સિદ્ધિનું ગરવું મજાનું છોગું
દેશભરમાં ગુજરાતની એક હાઈટેક અને પ્રથમ હરોળની યુનિવર્સિટી તરીકે નામના પામેલી ગણપત યુનિવર્સિટીની યશ કલગીમાં એક વધુ પીંછું ઉમેરાયું છે.
રાષ્ટ્રના એક પ્રથમ પંક્તિના સુપ્રતિષ્ઠિત અંગ્રેજી સાપ્તાહિક “આઉટલુક”દ્વારા પ્રતિવર્ષ યોજાતા રેન્કિંગ્સ ઉપક્રમમાં આ વર્ષના ” આઉટલુક-આઈ કેર ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ-2024માં ગણપત યુનિવર્સિટીએ ગુજરાત રાજ્યમાં ત્રીજું અને રાષ્ટ્રીય કક્ષાએ બારમું સ્થાન હાંસલ કર્યું છે !
ગણપત યુનિવર્સિટીને હાંસલ થયેલા અનેક માન-અકરામોમાં “આઉટલુક” જેવા રાષ્ટ્રના પ્રથમ પંક્તિના અંગ્રેજી સાપ્તાહિકના રેન્કિંગ્સમાં મળેલા આ ઉચ્ચકક્ષાના રેન્કિંગને કારણે દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને ગણપત યુનિવર્સિટીની પ્રતિષ્ઠાની પાઘડીમાં એક વધુ સિદ્ધિનું છોગુ ઉમેરાયું છે !
” આઉટલૂક-આઈ કેર ઇન્ડિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ-2024 દ્વારા દેશની પ્રથમ કક્ષાની પચાસ
( ટોપ-50 ) સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રેન્કિંગ્સ આપવામાં આવ્યું છે. ગુજરાતની કુલ છ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આમાં સ્થાન મળ્યું છે જેમાં ગણપત યુનિવર્સિટીએ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. તો આગળના સ્થાને ગુજરાતની બે જ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે જેના નામ છે પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટી ( ગાંધીનગર ) અને સેપ્ટ યુનિવર્સિટી (અમદાવાદ ).
રાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો ગણપત યુનિવર્સિટી આ વર્ષે 12મા ક્રમાંકે છે તો અગાઉના વર્ષોમાં-2022માં 15મા ક્રમાંકે અને ગયા વર્ષે એટલે કે 2023માં 13મા ક્રમાંકે હતી, આમ ગણપત યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા ક્રમશઃ સતત ઉત્કર્ષ પામી રહી છે.
આ રેન્કિંગ્સમાં સ્થાન પામતી યુનિવર્સિટીની નીચેની બાબતો લક્ષમાં લેવામાં આવી હતી.
- એકેડેમિક અને રિસર્ચ એક્સેલન્સ.
- ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ અને પ્લેસમેન્ટ.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ.
- ગવર્નન્સ અને એડમિશન્સ.
- ડાઇવર્સિટી અને આઉટરીચ.
ઉપરોક્ત પાંચ બાબતોમાં યુનિવર્સિટીની ગુણવત્તા કઈ કક્ષાની છે તેની આકરી કસોટી થાય છે અને રેન્કિંગ આપવામાં આવ્યા હતા.
ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ-દાદા તેમજ પ્રો ચાન્સેલર પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટીએ હાંસલ કરેલી આ સિદ્ધિ માટે સમગ્ર યુનિવર્સિટી-પરિવારને ધન્યવાદ આપી આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી
ચેતન રાજપૂત