આજે ગંભીર મુદ્દા ઉપર લખવું છે.હું અમદાવાદથી મારા વતન વાઘરોટા દિવસે જવા નીકળું તો ૮૦ મિનિટમાં પહોંચી જવું. વતનમાંથી વળતા સામાજિક કામ પતાવતા અંધારું થઈ જાય.મને અમદાવાદ પાછા આવતા ૧૨૦ મિનિટ થઈ જાય. ૪૦ મિનિટનો સમય વધે છે એનું કારણ ફક્તને ફક્ત સામેથી આવતા વાહનોની ફ્લડ લાઈટના કારણે. સામેથી આવતા વાહનો બીમ લાઈટ રાખીને આવતા હોય ત્યારે સામે સૂર્ય ઊગ્યો હોય અને અંધાપો આવી જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. ચોમાસામાં આ તકલીફ વધી જાય છે. હવામાં ભેજનું પ્રમાણ અને થોડોક વરસાદ પડતો હોય ત્યારે રોડની બાજુમાં પણ ઊતરી જવાય છે.
ગયા રવિવારે જ્યારે હું ગામડેથી પરત ફરી રહ્યો હતો ત્યારે રોડની બાજુમાં ખોદકામ થયેલું હતું. મને સામેથી આવતી લાઈટ આકરી પડી. મારી ગાડીનું એક ટાયર નીચે ઊતર્યું આખો પરીવાર ગાડીમાં હતો. નસીબ જોગ ટાયર મેઈન રોડ ઉપર આવી ગયું અને હું અકસ્માતથી બચી ગયો. મારા સાથે દર વખતે જે ઘટના બને છે એ રોજ અપ ડાઉન કરનાર લોકો સાથે રોજેરોજ બનતી હશે. ગાડી ચલાવનાર ડ્રાઈવર એ મોટા ટ્રકથી લઈને બધી જ પ્રકારની ગાડીઓમાં જે ડ્રાઈવર સામે આવતા વાહન ચાલક માટે ડીપરનો ઉપયોગ નથી કરતા એ તમામ લોકોને હું નિર્દય અને માણસાઈ વગરના ગણું છું. જાણે અજાણ્યે આળસમાં કોઈકના દિકરાનો ભોગ લેવાઈ જાય.કોઈ પરિવારનો માળો વીંખાઈ જાય.
મેં જે અનુભવ કરેલો છે એ રોજ તમને પણ થતો હશે તો પણ જન જાગૃતિ માટે આ આર્ટિકલ તમે શેર નહી કરો. હું હંમેશા જન જાગૃતિ લાવવા માટે, માણસાઈ માટે લખતો રહું છું. વધારે લોકો સુધી આ શબ્દો પહોંચે અને કોઈક એક વ્યક્તિમાં ફેર પડે તો પણ પુણ્યનું કામ છે.
ચાલો તો એક ઉદાહરણ આપું. તમારો દિકરો કે દીકરીને કોઈક કારણસર આવતા અંધારું થઈ જાય છે. ટુ વ્હીલર પર એ ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે અકસ્માત થાય. તમને હોસ્પિટલથી ફોન આવે કે તમારા ઘરના સભ્ય આ હોસ્પિટલમાં છે. જલ્દી આવો વધુ વાગ્યું છે. તેઓ અર્ધ બેભાન હાલતમાં છે. તમે હોસ્પિટલમાં પહોંચો સ્ટ્રેચર ઉપર જાઓ અને તમારો એ કલિંગને તમે એમ પૂછો કે , ” કેમનો અકસ્માત થયો.” એને ખૂબ વાગ્યું છે એ જીવન મરણ વચ્ચે જોલા ખાતો બોલે, ” સામેથી આવતી ગાડીનું લાઈટ આંખોમાં પડ્યું, ખાડો ના દેખાયો અને પછી ખબર નથી. હવે તમારા નસીબ સારા હોય અને તમારો એ વ્યક્તિ બચી જાય તો ભગવાનની દયા. અને જો એને કઈ થઈ જાય તો ? આ પ્રશ્નાર્થ ઉપર ગુજરાતના તમામ વાહન ચાલકોએ વિચારવાની જરૂર છે.તમારા ઘરમાં પણ દરેક સભ્યો વાહન ચલાવતા હશે. જમતી વખતે આ બાબતે ચર્ચા કરો એમને કહો કે , ” આપણા લીધે કોઈકની આંખોમાં સૂર્યના પ્રકાશ જેવી રોશની પાડી કોઈક માસૂમને હોસ્પિટલના પગથીયે કે મોતના મુખમાં ના નાખીએ” …
અત્યારે સફેદ ફ્લડ લાઇટ અને મોટી મોટી suv કાર સડસડાટ કાળા રોડ ઉપર ભયંકર પ્રકાશના શેરડા પાડતી યમદૂતોની જેમ આગળ વધે છે. કોઈક દયાવાળા અને સમજુ લોકો ડીપરનો ઉપયોગ કરે છે. ડીપરનો ઉપયોગ કરી સંવેદના રાખતા એવા લોકોને લાખ લાખ સલામ છે.
અત્યારે રસ્તાઓ પણ પાણી ભરેલા અને મોટા ખાડાવાળા છે ત્યારે , સમજદાર નાગરિક બની જીવ હત્યાથી બચીએ.
ચાલો સંવેદના કેળવીએ…સામે કોઈક વાહન આવતું હોય ત્યારે ગાડીની લાઇટનો પ્રકાશ નજીકનો રાખીએ. કોઈ વાહન ન આવતું દેખાય તો જ દૂરનો પ્રકાશ કરીએ.
✍🏻✍🏻✍🏻કેતન મંજુલાબેન પટેલ.
