અહેવાલ તસ્વીર
હરીશ જોશી , કપડવંજ
કપડવંજમાં ગાંધીજીની પ્રતિમા પાસે આઝાદ ચોક વિસ્તારમાં આવેલી મેડા ઉપરની લાયન્સ પોલીસ ચોકીની સામે જ નીચે ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરેલા વાહનોનો ખડકલો ખડકાઈ જાય છે અને ટ્રાફિક નિયંત્રણ રફેતફે થઈ જાય છે. આ ઉપરાંત ક્યારેક તો વહેલી સવારે વાહનોના પાર્કિંગની સાથે જ રખડતા ઢોરો અડિંગો જમાવીને બેસી જાય છે એટલે જ્યાં સાત રસ્તાઓ ભેગા થાય છે તે જગ્યાએથી જ એક થી બીજા રસ્તા તરફ ઓળંગીને જવામાં વાહન ચાલકો અને ક્યારેક તો રાહદારીઓને પણ તકલીફ પડે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં જ અગાઉ પોલીસ અને નગર સેવા સદન સત્તાવાળાઓ દ્વારા લારી ગલ્લાઓના દબાણને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે અને ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોને લાંબા ચક્કર મારીને એક થી બીજા રસ્તા ઉપર જવા માટે મજબૂર બનવું પડે છે. ઉચ્ચસ્તરિય સત્તાવાળાઓ દ્વારા આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવામાં આવે એવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

