અહેવાલ તસવીર
હરીશ જોશી, કપડવંજ
સમગ્ર કપડવંજ પંથકમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિ દિન વધતી જાય છે અને અકસ્માતોની વણઝાર એ જાણે કે રોજિંદો ક્રમ બની ગયો હોય
તેમ લાગી રહ્યું છે. આજ રોજ વહેલી સવારે કપડવંજ ડાકોર રોડ ઉપર મારવાડી વાસ બહાર શાળા કોલેજો માટે જવાના રસ્તા ઉપર જ ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને તેમાં
શિવમ અશોકભાઈ ગોહિલ નામના બાઈક સવારને ટ્રક સાથે અકસ્માત થયો હતો અને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ઇજા પામેલા ઈસમને 108 માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સત્તાવાળાઓ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. કપડવંજ શહેરના ત્રિવેણી પાર્ક કુબેર ચોકડી ટાઉનહોલ ચોકડી ડાકોર ચોકડી અને પીરના લીમડા પાસે આવેલી ચોકડી ઉપર તેમજ ગરોડ નાકા પાસે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે પરંતુ સત્તાવાળાઓનું પેટનું પાણી પણ હાલતું નથી તે ગંભીર બાબત છે. કપડવંજની બહાર બાયપાસ રોડ અથવા તો ઓવરબ્રિજ માટે અવારનવાર રજૂઆતો તેમજ જાહેરાતો કરવામાં
આવી રહી છે પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખાસ કરીને શાળા કોલેજોના શરૂ થવાના તેમજ છૂટવાના ટાઈમે ટ્રાફિકની સમસ્યા ગંભીર રીતે સર્જાય છે પરંતુ ટ્રાફિક નિયંત્રણના નામે શૂન્ય હોવાથી આવા ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે.


