
હરીશ જોશી, કપડવંજ
કપડવંજ તાલુકાના વાર્તાનો વડલો મહમદપૂરા પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર ખાતે દોસ્ત ફાઉન્ડેશન તથા ડાબર ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે “ગામનો નિર્ધાર, સહકારથી સાકાર” પોષણ મિત્ર અભિયાન અંતર્ગત બાળકો માટે પોષણ અને સ્વચ્છતા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળાના 190 વિદ્યાર્થીઓ તથા આંગણવાડીના 60 બાળકો સહિત કુલ 250 બાળકોને ડાબર શુદ્ધ મધ, ડાબર રિયલ જ્યુસ, ટૂથપેસ્ટ, નાળિયેર પાણી તથા બાળકોના આરોગ્ય અને પોષણને અનુરૂપ જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કપડવંજ તાલુકાના નાયબ કલેક્ટર અનિલભાઈ ઝાલા, પૂર્વ એપીએમસી ચેરમેન નિલેશભાઈ પટેલ, ગામના સરપંચ, એસ.એમ.સી. અધ્યક્ષ, પી.ટી.સી. કોલેજના તાલીમાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય મિનેશભાઈ પ્રજાપતિના પ્રયાસોથી દોસ્ત ફાઉન્ડેશન અને ડાબર ઇન્ડિયા લિમિટેડના સહયોગથી અંદાજે એક લાખ રૂપિયાની પોષણ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ છેલ્લા એક માસ દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં 1000થી વધુ બાળકોને ડાબર કંપનીની પોષણ કીટ વિતરણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના બાળકોના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસ માટે સમાજના દરેક વર્ગનો સહકાર મેળવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મહેમાનો દ્વારા બાળકોને પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો અને સહકાર, એકતા તથા સામૂહિક જવાબદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. બાળકોમાં કાર્યક્રમ પ્રત્યે વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.
આ પ્રસંગે કપડવંજ તાલુકાના નાયબ કલેક્ટર અનિલભાઈ ઝાલાએ કુપોષિત બાળકો માટે સમાજે આગળ આવી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. નિલેશભાઈ પટેલે દોસ્ત ફાઉન્ડેશન અને ડાબર ઇન્ડિયા લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના આચાર્ય મિનેશભાઈ પ્રજાપતિએ તમામ મહેમાનો, દાતાઓ અને સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરી શિયાળામાં મધ અને જ્યુસના સ્વાસ્થ્યલક્ષી લાભોની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે દોસ્ત ફાઉન્ડેશન તથા વાર્તાનો વડલો શાળા દ્વારા લાંબા સમયથી બાળકો માટે પોષણ કીટ વિતરણ જેવી સમાજલક્ષી પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય કામગીરી ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

