સત્ય વિચાર દૈનિક

રાષ્ટ્રભક્તિ અને પ્રકૃતિ સંરક્ષણનો અનોખો સંગમ,આંબરડી સફારી પાર્ક ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

રાષ્ટ્રભક્તિ અને પ્રકૃતિ સંરક્ષણનો અનોખો સંગમ,આંબરડી સફારી પાર્ક ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ (IFS)ના હસ્તે ધ્વજવંદન
વન વિભાગ અને માલધારીઓના અતૂટ સંબંધોની ભાવપૂર્ણ પ્રતીતિ**

આજે સમગ્ર દેશ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રંગાયેલો છે, ત્યારે ગીર (પૂર્વ) વન વિભાગ – ધારી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણના ઉમદા ઉદ્દેશ્ય સાથે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધારીના પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ (IFS), ગીર (પૂર્વ) – ધારીના હસ્તે સવારે ૮:૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને ગૌરવભેર સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિકાસ યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,
**“રાષ્ટ્ર સર્વોપરી છે અને જીવમાત્રનું રક્ષણ કરવું એ આપણી પાયાની ફરજ છે.”**
તેમણે વધુમાં ઉમેર્યું કે સમગ્ર ભારતવર્ષમાં એશિયાઈ સિંહોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં જોવા મળે છે, જે વન વિભાગની સતત મહેનત અને જનસહયોગનું ઉત્તમ પરિણામ છે.

આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વન વિભાગ અને જંગલના રક્ષક ગણાતા માલધારીઓ વચ્ચેની આત્મીયતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. સ્ટેજ પર નાથાભાઈ માલધારીને વિશેષ સ્થાન આપી વન વિભાગે માલધારી સમુદાય પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે માનદ વાઇલ્ડ લાઈફ વોર્ડન મહાવીર બાપુ, ACF પી. એન. ચાંદુ, એન. પી. લકુમ તેમજ ગીર (પૂર્વ)ના RFO સહિતના અધિકારીઓ ગણવેશમાં સજ્જ થઈ હાજર રહ્યા હતા. સાથે સાથે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) અને પત્રકાર મિત્રોને પ્રશંસા પત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને પર્યાવરણ સંદેશ આપતી સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં સામાજિક આગેવાનો, રહીશો, એનજીઓ તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ હાજરી આપી.પર્યાવરણની સુરક્ષા એ જ આપણી જવાબદારી હોવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમે રાષ્ટ્રીય એકતા અને વન્યજીવ સંરક્ષણનો મજબૂત સંદેશ પ્રસરાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!