સત્ય વિચાર દૈનિક

કપડવંજ ટાઉન પોલીસનો મોટો સપાટો: દારૂના ગુનામાં ૨ વર્ષથી નાસતો-ફરતો રીઢો આરોપી રાજસ્થાનના ઉદયપુરથી ઝડપાયો

જયદીપ દરજી, હરીશ જોશી ,કપડવંજ

અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ, કપડવંજ સર્વેલન્સ ટીમની પ્રસંશનીય કામગીરી

કપડવંજ:
કપડવંજ ટાઉન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા એક રીઢા આરોપીને રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીનો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો મુજબ, ખેડા-નડીયાદ પોલીસ અધિક્ષક  વિજય પટેલ (IPS) અને કપડવંજ ડિવિઝનના ઈ.નાયબ પોલીસ અધિક્ષક  વી.આર.બાજપાઈ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત કપડવંજ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર  આર.આઈ.સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ અને તપાસમાં હતી.
દરમિયાન, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકકુમાર અશ્વિનભાઈ અને પ્રવિણસિંહ રમેશભાઈને સંયુક્તપણે ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી કે, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૪ ના પ્રોહિબિશન એક્ટના ગુનામાં વૉન્ટેડ આરોપી કુંજબિહારી છગનલાલ પાનેરી (બ્રાહ્મણ) (રહે. ૫૦૭, પાનેરીઓકી માદરી, સેક્ટર-૦૮, હિરન મગરી, જી. ઉદયપુર, રાજસ્થાન) હાલ ઉદયપુર ખાતે આવનાર છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્ટાફની ટીમ બનાવી ઉદયપુર ખાતે વોચ ગોઠવી હતી અને દારૂબંધીના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આ રીઢા આરોપીને તેના જ વતનમાંથી દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, ઝડપાયેલા આરોપી કુંજબિહારી પાનેરી સામે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ ૨૦૨૫ માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.
કપડવંજ ટાઉન પોલીસની આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ.સોલંકી સાથે હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ શંકરસિંહ, યોગેશકુમાર ઈશ્વરભાઈ, રોહિતકુમાર અંબાલાલ તથા કોન્સ્ટેબલ પ્રિયંકકુમાર અને પ્રવિણસિંહ સક્રિયપણે જોડાયા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!