વડોદરા નજીક પોર GIDCમાંથી ₹૪૨ લાખનું ૮,૧૩૬ કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું, તહેવારો ટાણે જ જનઆરોગ્ય સાથે ઘોર ખિલવાડ

વડોદરા નજીક પોર GIDCમાંથી ₹૪૨ લાખનું ૮,૧૩૬ કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું, તહેવારો ટાણે જ જનઆરોગ્ય સાથે ઘોર ખિલવાડ


પામોલિન તેલમાંથી ઘી બનાવવાની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

યુવરાજસિંહ જાડેજાની બાતમી બાદ મોટો પર્દાફાશ,
ભેળસેળિયાઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા ઉગ્ર માંગ


વડોદરા:
દિવાળી અને તહેવારોની મોસમ શરૂ થતાં જ બજારમાં મીઠાઈઓ અને ઘીની માંગ ખૂબ વધી જતી હોય છે. આ જ તકનો ગેરલાભ ઉઠાવીને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું એક મોટું કૌભાંડ વડોદરામાં પકડાયું છે. વડોદરા શહેર નજીક પોર જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી ‘ચાલીસા ફૂડ્સ’ નામની ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પેઢીમાંથી અંદાજે ₹૪૨ લાખની બજાર કિંમત ધરાવતો ૮,૧૩૬ કિલો શંકાસ્પદ ઘીનો જંગી જથ્થો ઝડપી પાડીને સીઝ કરવામાં આવ્યો છે.
સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી સચોટ બાતમીના આધારે ડેઝિગ્નેટેડ ઓફિસર અને વડોદરા વર્તુળ કચેરીની ટીમે પેઢીના જવાબદાર મહેશભાઈ કાન્તીભાઈ ઠેસીયાની હાજરીમાં આ તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન તપાસ ટીમને સ્ટોરેજ ટેન્કમાં પેકિંગ માટે તૈયાર રાખવામાં આવેલો ₹૨૬ લાખની કિંમતનો ૫,૨૦૦ કિલો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો મળ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી અલગ-અલગ જાણીતી બ્રાન્ડ્સ અને પેક સાઇઝમાં પેકિંગ કરી દેવાયેલો ₹૧૬ લાખની કિંમતનો ૨,૯૩૬ કિલો ઘીનો તૈયાર જથ્થો પણ જપ્ત કરાયો હતો. ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી શંકાસ્પદ ઘીના ચાર અલગ-અલગ નમૂના એકત્ર કરીને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.


આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ગંભીર ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, આ પ્રોડક્ટનું ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવામાં આવતાં તેમાં મોટાપાયે પામોલિન તેલની ભેળસેળ હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું છે. ફેક્ટરીમાં ક્યાંય ગાય, ભેંસ, દૂધ, મલાઈ કે માખણનું નામોનિશાન ન હોવા છતાં લૂઝ ઓઇલના આધારે આખો યુનિટ ધમધમતો હતો. એક જ પ્રકારના લૂઝ પામોલિન ઓઇલમાંથી ૧૧ જેટલી જુદી-જુદી બ્રાન્ડના ડબ્બાઓ અને પાઉચ પેક કરવામાં આવતા હતા. આ નકલી માલ માત્ર ગુજરાત પૂરતો સીમિત ન રહેતાં અન્ય રાજ્યો અને દેશ બહાર (એક્સપોર્ટ) પણ મોકલવામાં આવતો હોવાના લેબલો મળી આવ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ સરકારી તંત્ર અને સ્થાનિક રાજકીય નેતૃત્વ સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આટલા બધા નેતાઓ અને સંસદસભ્યો હોવા છતાં શું તેમનું ધ્યાન આ ગંભીર બાબત તરફ નથી જતું? કદાચ મલાઈનો મોટો હિસ્સો પહોંચતો હોવાથી નેતાઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આંખો પર પટ્ટી બંધાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આજથી દોઢ-બે મહિના પહેલાં એટલે કે ૩૦ ઓગસ્ટના રોજ પણ ફૂડ વિભાગે આ જ ‘ચાલીસા ફૂડ્સ’ પર રેડ કરી હતી અને ₹૨,૨૩,૬૦૦ની કિંમતનો સામાન્ય જથ્થો સીઝ કરી બાકીનો માલ છોડી દીધો હતો. આ છોડી દેવાયેલો શંકાસ્પદ માલ નવરાત્રી અને દશેરા જેવા મોટા પર્વો દરમિયાન નાગરિકોના પેટમાં જતો રહ્યો હોવાની પૂરી શક્યતા છે. અગાઉ પણ નિયમોનું પાલન ન થવા છતાં કડક પગલાં ન લેવાતા આ કૌભાંડ બેફામ ચાલતું રહ્યું.
હવે જ્યારે ફરી લાખો રૂપિયાનો નકલી જથ્થો પકડાયો છે, ત્યારે માત્ર દંડ કે સામાન્ય કેસ કરવાને બદલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કાયદા વધુ કડક બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. લોકોના જીવન સાથે રમત રમતા આવા ભેળસેળિયા તત્વો સામે માત્ર સામાન્ય નોટિસ નહીં, પરંતુ સીધી સાપરાધ મનુષ્યવધની કલમો નોંધીને તમામ કસૂરવારોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.

ફેક્ટરી પર યુવરાજસિંહ જાડેજા અને શુભમ ઠાકર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!