ખૌફનાક ષડયંત્રનો પર્દાફાશ: ગર્ભવતી પત્નીની હત્યા કરી આપઘાતમાં ખપાવવાનો ખેલ, મહુધા પોલીસે પતિ સહિત સાસરીયાઓનો પર્દાફાશ કર્યો

ખૌફનાક ષડયંત્રનો પર્દાફાશ: ગર્ભવતી પત્નીની હત્યા કરી આપઘાતમાં ખપાવવાનો ખેલ, મહુધા પોલીસે પતિ સહિત સાસરીયાઓનો પર્દાફાશ કર્યો


નિસાર શેખ
સત્ય વિચાર, મહુધા

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપડરૂપ નજીક આવેલ બારૈયાની મુવાડી ગામે એક અત્યંત ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાસરિયાઓએ સાથે મળીને ગર્ભવતી પરિણીતાને ઝેરી દવા પીવડાવી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી અને સમગ્ર ઘટનાને ‘આત્મહત્યા’નો રંગ આપવાનો પ્રયાસ કર્યો. જોકે, મહુધા પોલીસની સતર્કતા અને ઊંડાણપૂર્વકની તપાસ સામે હત્યારાઓનો આ ખેલ ઊંધો પડ્યો છે.

ગત તા. ૧૭/૧૦/૨૦૨૬ના રોજ સવારે મહુધા પોલીસને માહિતી મળી હતી કે કપડરૂપ (બારૈયાની મુવાડી) ખાતે ૨૮ વર્ષીય અરુણાબેન મિતુલભાઈ સોઢાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે પેનલ ડૉક્ટર મારફતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. દરમિયાન મૃતકના ભાઈ વિરેન્દ્રસિંહ અરવિંદભાઈ બારૈયા (રહે. પરપડીયા, બાલાસિનોર) દ્વારા મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી કે તેમની બહેનને સાસરિયાઓ ચારિત્ર્ય પર શંકા રાખી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

પીએમ રિપોર્ટ અને ગૂગલ સર્ચે રહસ્ય ખોલ્યું

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિપોર્ટમાં મૃત્યુ કોઈ ઝેરી પદાર્થ પીવાથી થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગળા પરના નિશાન મૃત્યુ પછીના હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની દિશામાં તપાસ તેજ કરવામાં આવી.
પોલીસે મૃતકના પતિ મિતુલભાઈ સોઢા અને જેઠ વિપુલભાઈ સોઢાને તા. ૧૮/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે અટકાયતમાં લઈ કડક પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપી પતિએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે પત્ની ગર્ભવતી હોવા છતાં સારવાર ન કરાવવા બાબતે ઝઘડો થયો હતો. આરોપી પતિએ અગાઉ પોતાના મોબાઇલમાં ગૂગલ (Google) પર “સ્ત્રી આપઘાત કરે તો પતિ જવાબદાર ગણાય કે નહીં?” તે અંગે પણ સર્ચ કર્યું હતું.

હત્યાની ભયાનક મોડસ ઓપરેન્ડી

બનાવની રાત્રે ઝઘડો ઉગ્ર બનતા પતિ મિતુલભાઈએ અરુણાબેનને સોફા પર પટકી દીધી હતી. સાસુ કૈલાશબેને હાથ પકડ્યા હતા અને જેઠાણી અલ્પાબેને પગ પકડી રાખ્યા હતા. પતિએ જબરદસ્તીથી અરુણાબેનના મોંમાં ખેતરમાં છાંટવાની નેનો યુરિયા ખાતરનું પ્રવાહી/દવા રેડી મોં દબાવીને ક્રૂર હત્યા નીપજાવી હતી.
હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે સાસુ અને જેઠાણીને રૂમ બહાર કાઢી, લાશને બારી સાથે નાયલોનની દોરી વડે લટકાવી આત્મહત્યાનો દેખાવ ઊભો કર્યો હતો. ત્યારબાદ આગળના દરવાજેથી આવી નકૂચો તોડી અંદર પ્રવેશવાનો ઢોંગ કર્યો અને દોરી કાપી લાશ નીચે ઉતારી હતી. જેઠ વિપુલે ઝેરી દવાની પ્લાસ્ટિકની થેલી ઘર પાછળ ચૂલામાં સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો.
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ જપ્ત
મહુધા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  પી. એ. જાદવ તેમજ પીએસઆઈ આર. વી. ચૌહાણ સહિતની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી પતિ મિતુલભાઈ અને જેઠ વિપુલભાઈ સોઢાની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી નાયલોનની દોરી, મોબાઇલ ફોન અને બ્લેડ કબજે કરી અન્ય આરોપીઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!