અહેવાલ તસવીર
જગદીશ પ્રજાપતિ , અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં નકલી દૂધના મામલે **આમ આદમી પાર્ટી** દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. આ મુદ્દે મોડાસા ખાતે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આપના નેતાઓએ બાયડ તાલુકાની પિપોદરા દૂધ મંડળી સામે નકલી દૂધના ગંભીર આરોપો લગાવ્યા હતા. સાથે જ સરકારના “ચારેય હાથ” સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ ઉપર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આપના જણાવ્યા મુજબ પાર્ટી પાસે સજ્જડ પુરાવા હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આપના નેતાઓએ દાવો કર્યો કે જો નિષ્પક્ષ તપાસ થાય તો શામળભાઈ પટેલને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે તેવા પુરાવા ઉપલબ્ધ છે. આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને લેખિત અરજી પણ કરવામાં આવી છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ દ્વારા એક મહત્વનો સવાલ ઉઠાવવામાં આવ્યો કે વર્ષ 2024-25માં જ્યાં માત્ર 17 લાખ રૂપિયાનું દૂધ દર્શાવાયું હતું, ત્યાં વર્ષ 2025-26માં તે આંકડો અચાનક 1.51 કરોડ રૂપિયા સુધી કેવી રીતે પહોંચ્યો?
આમ આદમી પાર્ટીએ તપાસના નામે તંત્ર દ્વારા “તરકટ રમાતું” હોવાનો આક્ષેપ કરી સરકાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


