સત્ય વિચાર દૈનિક

અરવલ્લીમાં નકલી દૂધના માફિયાઓ સામે ‘આપ’નો હલ્લાબોલ: યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભવ્ય પદયાત્રા

દૂધ નહીં ઝેર! નકલી દૂધના માફિયાઓ સામે મોડાસામાં ‘આપ’ની ગર્જના; કલેક્ટરને અપાયું આવેદન.

અહેવાલ તસવીર અલ્પેશ ભાટિયા , મોડાસા

મોડાસા: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દૂધ માફિયાઓ દ્વારા આચરવામાં આવતી ભેળસેળ અને નકલી દૂધના કાળા કારોબાર સામે આજે અરવલ્લી જિલ્લામાં જનતાનો રોષ ફાટી નીકળ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ વિદ્યાર્થી નેતા શ્રી યુવરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં મોડાસા ખાતે એક વિશાળ પદયાત્રા યોજી તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

લોકોના આરોગ્ય સાથે ચેડાં સાંખી લેવાશે નહીં.છેલ્લા કેટલાય સમયથી દૂધમાં કેમિકલ અને અન્ય પદાર્થોની ભેળસેળ કરી સીધી કે આડકતરી રીતે લોકોના ઘર સુધી ઝેર પીરસવામાં આવી રહ્યું છે. આ ગંભીર મુદ્દે જનતાના હિત માટે આજે શનિવારે બપોરે ૧:૦૦ કલાકે મોડાસા ટાઉનહોલથી બસ સ્ટેન્ડ સુધી પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રામાં કાર્યકરોએ દૂધ માફિયાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું.

કલેક્ટરને આવેદન પત્ર: કડક કાર્યવાહીની માંગ

પદયાત્રા બાદ આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી છે કે:
  દૂધમાં ભેળસેળ કરતા તત્વો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
  ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાય.
  નકલી દૂધના નેટવર્ક પાછળ રહેલા મોટા માથાઓનો પર્દાફાશ કરવામાં આવે.
અગ્રણીઓની હાજરી
આ કાર્યક્રમમાં યુવરાજસિંહ જાડેજાની સાથે લોકસભા પ્રભારી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ પરમાર, અરવલ્લી પ્રભારી રૂપસિંહભાઇ ભગોરા, ભિલોડા વિધાનસભા પ્રભારી કેતનભાઇ કટારા, મોડાસા પ્રભારી મહેન્દ્રસિંહ સહિત જિલ્લાના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!