નશાના સોદાગરોમાં ફફડાટ: અરવલ્લી પોલીસની નશાબંધી અભિયાન હેઠળ મોટી સફળતા
બાયડ: જગદીશ પ્રજાપતિ
અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ મથક વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને નશીલા પદાર્થ ગાંજાના વેચાણ અને હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાયડ પોલીસે બાતમીના આધારે કરેલી રેડ દરમિયાન કુલ રૂપિયા 4.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં પ્રતિબંધિત નશીલો પદાર્થ ગાંજો પણ સામેલ છે. આ મામલે પોલીસે કપડવંજના બે ઇસમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળતી માહિતી મુજબ, બાયડ પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં મળી આવેલા કપડવંજના બે શખ્સોને આંતરીને તેમની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળી કુલ રૂ. 4.63 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
ગાંજા સાથે ઝડપાયેલા બંને શખ્સો કપડવંજ પંથકના હોવાનું ખુલ્યું છે. આ નશીલો પદાર્થ તેઓ ક્યાંથી લાવ્યા હતા? અને બાયડ પંથકમાં કોને સપ્લાય કરવાનો હતો? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ રેડને પગલે પંથકમાં નશાનો કાળો કારોબાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
અરવલ્લી પોલીસ દ્વારા હાલમાં નશાબંધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ મોટી સફળતા મળી હોવાનું મનાય છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


