સત્ય વિચાર દૈનિક

કપડવંજ નગરપાલિકાના ‘સ્વદેશી મેળા’માં લાખો રૂપિયાનો વ્યય થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ

અંદાજિત ૧૧ લાખથી વધુ મંડપ ટેન્ડર, પણ સ્ટોલ ધારકો ગાયબ રહેતાં ખરીદદારો પરેશાન !

સવારે ૧૧ વાગ્યાનો સમય હોવા છતાં બપોરે ૧ વાગ્યા સુધી માત્ર ૩ સ્ટોલ ખુલ્લા: ગ્રાહકોને ધક્કા, વ્યવસ્થાપન સામે સવાલો


કપડવંજ:
સ્થાનિક કસબીઓ અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ના સૂત્ર સાથે કપડવંજ નગરપાલિકા દ્વારા આયોજિત  ‘સ્વદેશી મેળો ૨૦૨૬’ વિવાદના વમળમાં ફસાયો છે. ગુજરાત અર્બન લાઈવહુડ મિશન (GULM) હેઠળ ટાઉનહોલ ખાતે તા. ૬ થી ૧૫ માર્ચ દરમિયાન યોજાયેલા આ મેળામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.


મળતી માહિતી અનુસાર  મેળાનો સત્તાવાર સમય સવારે ૧૧:૦૦ થી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જોકે, આજે બપોરે ૧:૦૦ વાગ્યે મેળાની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અંદાજિત ૩૫ સ્ટોલ ધારકોમાંથી માત્ર ૩ જેટલા જ સ્ટોલ ખુલ્લા જોવા મળ્યા હતા, જ્યારે બાકીના સ્ટોલ ખાલીખમ હતા. લાખોના ખર્ચે આયોજિત મેળામાં સ્ટોલ ધારકોની ગેરહાજરીને કારણે ખરીદી કરવા આવતા ગ્રાહકોને ધોમધખતા તાપમાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે.


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ મેળા માટે મંડપ અને સુવિધાઓ પાછળ અંદાજે  ૧૧ લાખથી વધુ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. સવાલ એ ઊભો થાય છે કે, જો મેળામાં વેપારીઓ જ હાજર ન રહેતા હોય અને પ્રચાર-પ્રસારના અભાવે જનતા સુધી માહિતી ન પહોંચતી હોય, તો આટલો મોટો ખર્ચ કોના હિતમાં કરવામાં આવ્યો છે? શું તંત્ર માત્ર કાગળ પર આયોજન બતાવીને ગ્રાન્ટ સગેવગે કરવા માંગે છે. સ્વદેશી મેળામાં સ્થળ અને લાઇટની વ્યવસ્થા નગર પાલિકા દ્વારા કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
જ્યારે સરકાર નાના વેપારીઓને પ્લેટફોર્મ આપવા માટે આટલી મોટી રકમ ખર્ચે છે, ત્યારે મેળામાં સ્ટોલ ધારકો સમયસર કેમ નથી આવતા? શું નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ મોનિટરિંગ કરવામાં આવતું નથી? લાખો રૂપિયાના ખર્ચ સામે વળતર અને પરિણામ શૂન્ય દેખાઈ રહ્યુ હોય તેવું લાગી રહ્યું છે.
કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને GULM ના અધિકારીઓ આ બેદરકારી સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!