સત્ય વિચાર દૈનિક

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી માટે સીમાંકન અને અનામત બેઠકોનો પ્રાથમિક રોટેશન જાહેર

હરીશ જોશી, કપડવંજ

ખેડા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર મંડળોની રચના અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં ગત ચૂંટણી કરતા બે બેઠકોનો ઘટાડો થયો છે.આ આદેશ મુજબ ખેડા જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકો માટે નવા સીમાંકન અને અનામતની જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે, જેમાં વસતીના આધારે બેઠકોનું વિભાજન અને રોટેશન મુજબ અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં પંચાયત ચૂંટણીઓનો માર્ગ રાજ્ય ચૂંટણી આયોગે ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને મોકળો કર્યો છે.

વિકાસ કમિશનરના જાહેરનામા મુજબ ખેડા જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકો નક્કી કરવામાં આવી છે. આ ૪૨ બેઠકો પૈકી અનુસૂચિત જાતિ માટે ૨ બેઠકો (જેમાં ૧ સ્ત્રી અનામત), અનુસૂચિત આદિજાતિ માટે ૧ સામાન્ય બેઠક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી વર્ગ માટે ૧૧ બેઠકો (જેમાં ૫ સ્ત્રી અનામત) અને સામાન્ય વર્ગ માટે ૨૮ બેઠકો (જેમાં ૧૪ સ્ત્રી અનામત) ફાળવવામાં આવી છે.આમ, કુલ ૪૨ બેઠકોમાંથી ૨૦ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. મતદાર મંડળોની રચનામાં વસતીના ધોરણોને ખાસ ધ્યાને લેવામાં આવ્યા છે.

ખેડા જિલ્લા પંચાયત વિસ્તારની કુલ ૧૫,૫૦,૩૭૯ વસતીને આધારે બેઠક દીઠ સરેરાશ ૩૯,૯૧૪ની વસતી નક્કી કરવામાં આવી છે. આયોગે ભૌગોલિક પરિસ્થિતિ અને વહીવટી સરળતા ખાતર સરેરાશ વસતીમાં ૨૦ ટકા સુધીની વધઘટની છૂટછાટ આપી છે, જેથી કોઈ મતદાર મંડળની મહત્તમ વસતી ૪૪,૨૯૭ અને લઘુત્તમ વસતી૨૯,૫૩૧ સુધી રહી શકે છે. જોકે, આંત્રોલી, કુણી, લસુન્દ્રા, પાલી અને પીઠાઈ જેવા કેટલાક મતદાર મંડળોમાં ભૌગોલિક અનિવાર્યતાને કારણે ૨૦ ટકાથી વધુ વધઘટ જોવા મળી છે, જેને આયોગે ખાસ કારણોસર માન્ય રાખી છે.

અનામત બેઠકોની ફાળવણી માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને આદિજાતિની બેઠકો માટે જે તે મતદાર મંડળમાં આ વર્ગોની વસતીની ટકાવારીના આધારે ‘ખાસ ક્રમાંક’ આપવામાં આવ્યા છે. જે મતદાર મંડળમાં ટકાવારી સૌથી વધુ હોય તેને ક્રમ-૧ આપી તે મુજબ અનામતની ફાળવણી કરાઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા મહિલા અનામત માટે સામાન્ય ક્રમાંક મુજબ રોટેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતદાર મંડળોના નામ જે તે વિસ્તારના સૌથી વધુ વસતી ધરાવતા ગામના નામ પરથી અને અંગ્રેજી કક્કાવારી મુજબ રાખવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!