જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પૂજા અર્ચના અને ધજારોહણ કરાયું
રણછોડરાયજીના મંદિરના દ્વાર સવારે ૦૪ કલાકે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી બ્રીજેશકુમાર ઝાએ પૂજા અર્ચના કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ આઇજી બ્રીજેશકુમાર ઝાએ ડાકોર ફાગણી પૂનમ ૨૦૨૪ નિમિત્તે પૂજા અર્ચના કરી જન કલ્યાણ માટે પ્રાર્થના કરી. કલેકટર અમિત પ્રકાશ યાદવે સવારે ૪:૦૦ કલાકે ભગવાન રણછોડરાયની મંગળા આરતીમાં સહભાગી થઈ ખેડા જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે રાજા રણછોડરાયજીને કરી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરા જાળવી રાખી પૂજા અર્ચના અને ધજારોહણ કરાયું હતું.
જિલ્લા કલેકટરએ ફાગણી પૂનમ ઉત્સવ સમાપન નિમિતે છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે ફાગણી પૂનમ ઉત્સવની ૫ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડરાયના દર્શન માટે ડાકોર મુકામે પધારેલ. આ પદયાત્રીઓની વ્યવસ્થામાં સહકાર આપવા બદલ જિલ્લા કલેકટરએ મંદિર પ્રશાસન, સેવા સંચાલકો સહિત તમામ ડાકોરવાસીઓનો પણ આભાર માન્યો હતો. વધુમાં, કલેકટરએ જિલ્લાના નાગરિકોને હોળી ધુળેટી તહેવારની શુભેચ્છાઓ આપી હતી.
ડાકોર મંદિર ખાતે શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઇજી બ્રીજેશકુમાર ઝા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા,અધિક નિવાસી કલેકટર ભરત જોશી, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મંદિર કમિટીના ચેરમેન પરેન્દુ ભગત, નાયબ પોલીસ અધિક્ષક બાજપેયી, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ – કેતન પટેલ