સત્ય વિચાર દૈનિક

કપડવંજ જે.બી.મહેતા હોસ્પિટલના દાતા સ્વ. જાબીરભાઈ બદરૂદીન મહેતા

શ્વેતપત્ર – સાપ્તાહીક, સુરેશ પારેખ ,કપડવંજ ધ્વારા પ્રકાશિત “વ્યક્તિ વિશેષ” વિશેષાંક (૨૦૦૮) માંથી

અનેક લોકોત્તર ગુણોથી વિભૂષિત, સૌજન્યશીલ,દાનવીર અને સંસ્કાર સંપન્ન શેઠ શ્રી જાબીરભાઈ મહેતાએ સમગ્ર દાઉદી વ્હોરા કોમનું એક ઝળહળતું રત્ન છે. કપડવંજની પ્રજાને “શ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતા જનરલ હોસ્પિટલ” આપી ગરીબ પ્રજાના આશીર્વાદ મેળવનાર શેઠ જાબીરભાઈ મહેતાનો જન્મ ઈ.સ. ૧૮૯૬ની ૨૮ ફેબ્રુઆરીએ કપડવંજમાં સુખી,પ્રતિષ્ઠિત એવા વ્હોરા કોમમાં થયો હતો. બાલ્યજીવનના દશ વર્ષ માતા અમતુલ્લાબુ સાથે કપડવંજમાં ગાળ્યા બાદ ૧૯૦૭માં તેમના પિતાશ્રી બદરૂદીનભાઈએ તેઓને મુંબઈ બોલાવી લીધા, અને ત્યાં તેમને બોરીબંદરની પ્રતિષ્ઠિત ભરડા હાઈસ્કૂલમાં દાખલ કર્યાં.ત્યાં પાંચ ધોરણ પુરા કરી તાપી નદીને કીનારે આવેલ બરહાનપુર શહેરની મદ્રેસા – એ – હકીમિયામાં 1913 થી 18 સુધી રહ્યાં. અહીં એમણે અરબી અને ઉર્દુ ભાષા શીખી.
આ અરસામાં પિતાશ્રી બદરૂદીનભાઈ કાગળના ધંધામાં મુંબઈમાં “કાગળ બજારના રાજા”નું બિરૂદ મેળવી ચૂક્યા હતાં. તેમના પિતાએ મુંબઈમાં ગ્લોબ સિનેમા બાંધ્યું.કપડવંજમાં “બદરી મંઝીલ”નામનું ત્રણ માળનું આલીશાન મકાન બાંધ્યું. ધંધામાં પ્રગતિ થતાં પિતાએ જાબીરભાઈને “બદરૂદ્દીન એહમદજી”ની પેઢીમાં ભાગીદાર તરીકે નહિ પણ વીસ રૂપિયાના માસિક પગારે દશ વર્ષ સુધી રાખ્યા.જેમાં તેઓએ ગોડાઉન કીપર,ઉઘરાણી કરવી વગેરેની જવાબદારી નિભાવી.
૧૯૦૭ થી મુંબઈને કર્મભૂમિ,સંસ્કારભૂમિ અને વ્યાપાર ભૂમિ બનાવનાર જાબીરભાઈના લગ્ન ૧૯૨૨માં એમના કાકા અબ્દેઅલીની પુત્રી હુસેનાબાઈ સાથે થયા હતાં. લગ્નવિધિ વ્હોરા કોમના ધર્મગુરૂ નામદાર સ્વ.સૈયદના તાહેર સૈફિદ્દીન સાહેબે કરાવી હતી.
૧૯૨૪માં પુત્રી આમેનાના જન્મ થયો હતો. ૧૯૨૬માં ધંધામા મંદી આવતા શેઠ બદરૂદ્દીન દેવામાં સપડાયા. ૧૯૩૦માં હજ કરવા જતાં તેઓનું અવસાન થયું.પિતાનું સાડા છ લાખનું દેવું ચૂકવવાનું શેઠ શ્રી જાબીરભાઈએ સ્વીકાર્યું. અને જરા પણ નાહિંમત થયા વગર કુનેહ,ધીરજ અને સખ્ત
મહેનતથી ધીમેધીમે દેવું ચૂકવ્યું.
પિતાજીએ બનાવેલી બદરી મંઝીલ સહીતની કેટલીક મિલ્કતો ગુમાવવી પડી,૧૯૩૨માં શ્રી જાબીરભાઈએ ગ્રાન્ટરોડ પર ઓલ્ફ્રેડ થિયેટર ભાડે લીધું.કાગળનો ધંધો પણ
ચાલુ રાખ્યો. બંને ધંધામાં ધીરેધીરે સફળતા મળતી ગઈ. ૧૯૪૮માં તેઓએ કપડવંજમાં “મહેતા મંઝીલ”નામે આલીશાન મકાન બનાવ્યું.જે સૈફી લાયબ્રેરીની સામે આજે હયાત છે. તેઓએ ૧૯૪૬માં વડોદરામાં રાજમહેલ રોડ ઉપર અધતન અને આલીશાન થિયેટર “મહારાણી શાંતિદેવી ટોકીઝ”નવી બનાવી.આ ઉપરાંત ૧૯૪૯ની ૮ જુને કપડવંજમાં “યમુના ટોકીઝ”નવી બનાવીને કપડવંજની પ્રજાને ઉત્તમ મનોરંજન મળી રહે તે માટે પ્રયત્ન કર્યો.
   વ્યવસાયમાં પૈસા કમાતા ગયા એમ તેઓએ દાનની સરવાણી પણ ચાલુ રાખી.તેઓ અનેક નાના-મોટા ગુપ્ત તેમજ જાહેર દાન કરતા ગયા. ૧૯૪૫માં તેઓએ કપડવંજમાં બે લાખ રૂપિયાના ખર્ચે “શ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતા જનરલ હોસ્પિટલ”બંધાવીને કપડવંજ નગરપાલિકાને સોંપી,અધતન સાધન સગવડોથી સજ્જ એવી આ હોસ્પિટલ આજે પણ કપડવંજ તથા આજુ બાજુના ગામડાઓની પ્રજા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. આ હોસ્પિટલનું ખાતમુહુર્ત મુંબઈ રાજ્યના તે વખતના મુખ્યપ્રધાન  મોરારજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.તથા ઉદ્ઘાટન કપડવંજના ભાગ્યશાળી પુત્ર નિવૃત રાજ્યપાલ સર ચંદુલાલ ત્રિવેદીના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “અમતુલ્લાબ બદરૂદ્દીન મહેતા એક્સ રે યુનિટ”નું ઉદ્ઘાટન અને શેઠ શ્રી જાબીરભાઈની પ્રતિમાની અનાવરણ વિધિ પણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો. યમુના ટોકીઝથી હોસ્પિટલના રસ્તાને ધજાપતાકાથી શણગારવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક દિવસને સમગ્ર શહેરે એક મોટા મહોત્સવની રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે સર ચંદુલાલ ત્રિવેદી, તેમના ધર્મપત્નિ કુસુમબેન ત્રિવેદી,શંકરલાલ શાહ,કપડવંજ નગરપાલિકાના પ્રમુખ કાન્તિલાલ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ ૧૯૬૯માં અંતિસર દરવાજા પાસે મોટી રકમનું દાન આપી “શ્રી જાબીરભાઈ મહેતા પ્રાથમિક શાળા” પણ બંધાવી હતી.
શ્રી જાબીરભાઈએ પોતાની કોમ માટે પણ ઘણું દાન આપ્યું છે. તેઓએ ૧૯૪૯માં “શ્રી જાબીરભાઈ મહેતા સર્જીકલ એઈડ અને ચેરીટેબલ ટ્રસ્ટ”ની રચના કરી. જેમાં પ્રતિવર્ષે શરૂઆતમાં ૨૪,૦૦૦ રૂપિયા અને પછીથી વધારીને ૩૬,૦૦૦ રૂપિયા કરી કોમના ગરીબ દર્દીઓ માટે મફત સારવારની વ્યવસ્થા કરી આપી હતી. શેઠ શ્રી જાબીરભાઈએ કપડવંજના થવાદ ગામે “શ્રી જાબીરભાઈ બદરૂદીન મહેતા હાઈસ્કૂલ”ચાળીસ હજાર રૂપિયાનું દાન આપી બંધાવી આપી.આ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન ૧૯૬૬ની ૧૫ જૂનના રોજ તે વખતના ઉત્સાહી મુખ્યપ્રધાન હિતેન્દ્રભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.તેઓએ મહુધા તાલુકાના નાની ખડોલમાં શાળામાં હોલ બનાવવા માટે ૧૦,૦૦૦નું દાન આપ્યુ હતું. અને ત્યાં જાબીરભાઈ હોલ”માં તેમનું તૈલિચિત્ર મૂકવામાં આવ્યું છે.કપડવંજ કોલેજમાં એસેમ્બલી હોલ અને પુસ્તકાલય માટે તેઓએ દાન આપ્યું છે.અને ત્યાં પણ તેમનું અને તેમના ધર્મપત્નિનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે.
તેઓએ વડોદરામાં પણ અનેક સંસ્થાઓમાં દાન આપ્યું છે. આ ઉપરાંત તેઓએ ડભોઈ,ઉમરેઠ,જામનગરમાં પણ ખુલ્લા હૃદયથી દાનની સરવાણી વહેતી રાખી હતી.
શેઠ શ્રી જાબીરભાઈએ મુંબઈમાં ઈસ્લામ જીમખાના મધ્યે નવું “સ્પોર્ટસ પેવેલીયન”બાંધવા માટે પણ દાન આપ્યું છે.પેવેલીયનના પહેલાં માળે આવેલા વિશાળ અને કલાત્મક હોલને “જાબીર હોલ”નામ આપવામાં આવેલ છે.આ સ્પોર્ટસ પેવેલીયનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર સરકારના નાણાંપ્રધાન શ્રી વાનખેડે સાહેબે કર્યું હતું.શેઠ શ્રી જાબીરભાઈએ પિતાજી યાદમાં ૧૯૬૧ની ૨ ફેબ્રુઆરી કપડવંજમાં “બદરૂદ્દીન અહેમદજી આઉટડોર કલીનીક”બંધાવ્યું.જેનું ઉદ્ઘાટન ગુજરાતના રાજ્યપાલ શ્રી મહેદી નવાઝ જંગના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ માતૃશ્રી અમતુલ્લાબુની સ્મૃતિમાં અહીંની હોસ્પિટલને એક્સ રે મશીન ભેટ આપ્યું.આમ માતાપિતાનું ઋણ ચૂકવવાને ભાગ્યશાળી બન્યા.તેઓએ મુંબઈની સૈફી હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ રે મશીન ભેટ આપ્યું હતું.તે ઉપરાંત મુંબઈની જ નૂર હોસ્પિટલ અને વડોદરાની કલ્પના કલીનીકમાં પણ નિયમિત દાન આપતા રહ્યા હતાં.

   શેઠ શ્રી જાબીરભાઈએ મુંબઈમાં વાડી બંદર ખાતે “મહેતા મેન્શન”નામનું આલીશાન મકાન બનાવ્યું હતું.અને મકાન તેઓએ કેન્દ્ર સરકારને મહિને ૩૦,૦૦૦ રૂપિયાના ભાડે આપેલ છે. તેનું તમામ ભાડુ દર વર્ષે જુદી-જુદી અનેક શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓમાં નિયમિતરૂપે આપવામાં આવે છે.શેઠશ્રી જાબીરભાઈએ હજયાત્રા કરી છે. આ ઉપરાંત તેઓએ કરબલાની મુસાફરી બે વખત, ઈરાક,બેહરૂત,જોર્ડન,કેરો,દામાસ્કસની મુસાફરી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!