અરવલ્લીમાં 350 વીઘામાં તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર
એકસાથે 50 હજારથી વધુ લોકો ધ્યાન કરી શકશે
મોડાસા-ધનસુરા હાઈવે પર 350 વીઘા જમીન પર રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર ‘અનાદિમુક્ત વિશ્વમ’ તૈયાર કરાશે. સ્વામિનાયારણ મંદિર, વાસણા સંસ્થાન (SMVS)એ ધ્યાન કેન્દ્ર માટે 5 વર્ષમાં રાજ્યભરમાં 250થી વધુ જગ્યા જોયા બાદ પર્વતમાળા, નદી, તળાવનું સાંનિધ્ય મળે તેવી આ જગ્યા પસંદ કરી છે.
અહીં એકસાથે 50 હજારથી વધુ લોકો ધ્યાન કરી શકે તેવી સુવિધા તૈયાર કરાશે. સોમવારે એટલે કે આજે ધૂળેટીના દિવસે ‘અનાદિમુક્ત વિશ્વમ’નો શિલાન્યાસ કરાશે અને તે 2026માં તૈયાર કરી દેવાશે. આ સાથે બાપજીના 92મા પ્રાગટ્યોત્સવની પણ ઉજવણી કરાશે. ગીરીમાળા શરૂ થાય તે જગ્યાએ SMVS સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીના દિવ્ય સંકલ્પે ‘અનાદિમુક્ત વિશ્વમ’ બનાવાશે.