સત્ય વિચાર દૈનિક

ગદર 3 એક પ્રેમ કથા – ✍🏻✍🏻 કેતન મંજુલાબેન પટેલ

ગદર 3 એક પ્રેમ કથા – ✍🏻✍🏻 કેતન મંજુલાબેન પટેલ

ગદર 3 એક પ્રેમ કથા ,

          પાકિસ્તાનથી નીકળેલ રેલવેની એક ગાડી અનેક લાશો સાથે ભારતની બોર્ડરમાં પ્રવેશે છે. પગથિયાં લોહીથી ખદબદે છે. ક્યાંક ડબ્બાના દરવાજામાંથી મરેલ વ્યક્તિના હાથ લબડતા દેખાય છે.લાશોના ઢગલા જાણે ડબ્બામાં પેક કરીને મોકલ્યા હોય એમ લાશોથી ભરેલા ડબ્બા વાળી ટ્રેન ભારતના સ્ટેશને આવીને ઊભી રહે છે.

       સ્ટેશન ઉપર હાજર લોકોમાં આ ભયાવહ દૃશ્ય જોઈ  આંખોમાં આંસુ સાથે અંગાર પણ દેખાય છે. જે વ્યક્તિ સાવ નિર્બળ કહી શકાય એવી વ્યક્તિના હાથમાં પણ જો રાયફલ આપી દો તો બોર્ડર ઉપર લડવા જતી રહે ! સ્ટેશન ઉપર પોતાના લોકોનું આક્રંદ છે તો ડબ્બા બધા શાંત છે. જે ડબ્બામાં જીવ બચાવી ને પાકિસ્તાનના લાહોરના રેલવે સ્ટેશનેથી નીકળેલ એ ટ્રેનને રસ્તામાં રોકી આવી કલતેઆમ ચલાવી હતી. ત્યાંની સરકાર અને ત્યાંના લોકોને એમ જ હશે કે જે ગયા એ બધા સહીસલામત પહોંચી જ ગયા હશે. પણ , મોકલેલ એ જીવંત લોકો અત્યારે લાશોમાં ફેરવાઈ ગઈ છે. સ્ટેશન ઉપર લેવા આવેલ એ સંબંધીઓમાં આપ્તજનોના આવા કરુણ અંજામ જોઈ કાન ફાટી જાય એ હદે આક્રંદ છે. સ્ટેશન ઉપર હાજર લોકો પોત પોતાની વ્યકિતને શોધે છે. એમને જ્યારે એ વ્યક્તિ મળે ત્યારે એની લાશ જ મળતી હોય છે.

             આજ ટ્રેનમાં કાજલ નામની એક છોકરી ત્યાંથી આવવાની હોય છે. પણ એનો પ્રેમી કિશન રેલવે ના એક એક ડબ્બામાં એને શોધે છે. એના હદયમાં કોઈ આશા જીવંત નથી કે એ મળશે કે કેમ ? તોય પોતાની રૂપાળી એ પ્રેમિકાને શોધવા એ ૧૬૦ થી વધારે  લાશોને પણ અડધા કલાકમાં ફેંદી નાખે છે. શારીરિક થાક તો નહિ પણ એને હદયથી થાક લાગ્યો છે. એની પ્રિય કાજલ ક્યાં હશે ! એના ચહેરા ઉપર હતાશા સ્પષ્ટ દેખાય છે. એની આંખોમાં અલગ પ્રકારના ભાવો છે ક્યાંક ગુસ્સો છલકાય છે તો ક્યાંક એક પ્રેમ ભરેલી આંખો રડે છે. આંખોના પાણીને કાંડા થી લૂછતો એ કિશન ના વાળ અસ્ત વ્યસ્ત છે. એના મોઢા ની લાળ થી એનો કાળો શર્ટ ભીનો થઈ ગયો છે.હોઠના  એકબાજુથી લબડતી લાળ અને આંખોમાંથી વહેતા પાણી પણ ખૂટી પડયા છે. એને કાજલ જોઈએ છે. પણ , કાજલ હોય તો મળે ને !

        એને સાથે જીવેલ એ સમય યાદ આવે છે જ્યારે થોડા સમય પહેલાં જ પાકિસ્તાનમાં જોડે ફરતા હતા. એક જ કોલેજમાં ભણતા હતા. જોડે ચાલતા જવું આવવું , એકબીજા વગર એમને ના ચાલે. આમેય જે હદયના સંબંધો હોય એની વાત જ નિરાળી છે.જે અણિશુદ્ધ પ્રેમ કરે છે એને જ ખબર પડે છે કે એના માટે એ પાત્ર કેટલું જરૂરી અને ખાસ છે ! ભારતના ભાગલાને કારણે જ્યારે ત્યાંના અમુક લોકોએ ભારત આવવું પસંદ કર્યું એમાં આ કાજલ અને કિશનનો પરિવાર પણ હતો. કિશનનો પરિવાર એ જ દિવસે નીકળી ગયેલો જ્યારે તોફાનોની શરૂઆત થવાની હતી જેથી બધા જ અહી કેમ્પમાં હતા. કિશનનો પરિવાર પાકિસ્તાનમાં સુખી સંપન્ન હતો. એટલે જ એમનો એ દિવસે જ ટ્રેનમાં મેળ પડી ગયેલો.

              કિશન રેલ્વે સ્ટેશને નિશશા થી બેઠો કાજલ કાજલ કરતો હોય છે. ત્યાં, એક વાતની પુષ્ટિ એને થાય છે કે ટ્રેનમાં કાજલ ના મમ્મી પપ્પા અને ભાઈની લાશ મળી  છે પણ કાજલ ક્યાંય નથી. કાજલ સાથે શું થયું હશે ? એ ક્યાં હશે ? જેવા અનેક સવાલો સાથે કિશન એના કેમ્પ તરફ રવાના થાય છે.

             એ રાત્રે એને એની જૂની વાતો યાદ આવે છે કે કાજલ પાછળ કોલેજમાં કેટલા બધા છોકરા હાથ ધોઈને પડ્યા હતા. કેટલી બધી સુંદર અને કેટલી હસમુખી છોકરી હતી. મારી કાજલની ખૂબસૂરતીને લીધે એના ઉપર કઈ ખરાબ ઘટના તો નહિ ઘટી હોય !  મન આસંકાઓથી ઘેરાતું હતું. કાજલ હવે રહસ્યમય કોયડો લાગતી હતી જેનો ઉકેલ મેળવવો હોય તો પાકિસ્તાન આવા તોફાનોમાં જીવ જોખમે મૂકીને જવું પડે. પરંતુ વાતાવરણ એટલું તંગ હતું કે બે ધર્મના લોકો એકબીજાના દુશ્મન બની ગયા હતા. દુશ્મન શું ! જીવ લેવા જ બેઠા હતા ત્યારે કાજલ જાતે જ આવશે ભારત કે પછી કિશન એને લેવા જશે ?

ગદર 3 -. આગળ કેવા વળાંક આવે છે ! જોઈએ ભાગ 2 માં…

✍🏻✍🏻 કેતન મંજુલાબેન પટેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!