‘ આ આંખ ધન્ય છે. આ બાવળના બડૂકા જેવા હાથ ધન્ય છે.’ મંત્રી મહોદય ગળગળા થઇ ગયા. આંખમાં ચોવીસ કેરેટના સોનાના બિસ્કીટ જેવું અસલી આંસુ જ આવવાનું બાકી હતું.મંત્રીજીએ ઓડિયન્સ તરફ હાથ હલાવી ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન કર્યુ.
‘ સાવ જૂઠાડો છે.’ રાજુએ કોઇ જુએ નહીં હોય તેમ મને ઠોંસો મારતા કહ્યું. મેં માંડ માંડ હસવાનું રોક્યું.
‘ રાજુ ,આપણે બખડજંતર ચેનલ તરફથી કાર્યક્રમ કવર કરવા આવ્યા છીએ. મારે કોઇ ડ્રામા ન જોઇએ. મને મારું કામ કરવા દે અને તું ફોટા પાડવાનું તારૂં કામ કર॥ નહિંતર, મારે બાબુલાલ ધી બબુચકને ફરિયાદ કરવી પડશે.’ મે રાજુના કાનમાં ધમકી રેડી.
‘ મને કહેતાં ગર્વ થાય છે.’ આટલું કહી મંત્રીજીએ કૂકડાની જેમ છાતી ફૂલાવી.જો કે, મંત્રીજીની છાતી ખાસ ફૂલી નહીં. કેમ કે તેની સાઇઝ છપ્પન ઇંચની ન હતી.
‘ આજે મારા પર બુંધિયાળ હસ્તે એક અઠવાડિયામાં ત્રણસોમું ઉદધાટન કરવાની સોનેરી તક મળી છે.’ મંત્રીજીએ ગૌરવ વ્યક્ત કર્યું.( એમાંથી કેટલા ઢબી ગયા એની તો વાત કરો.ઓડિયન્સમાથી કોઇએ ટીખળ કર્યું. ગમે તેવા બોરિંગ ભાષણને ઓડિયન્સમાંથી કોઇ ટીખળ કરીને હાસ્યના હુલ્લડમાં ફેરવી નાંખે.)
‘ મારી આ સિધ્ધિ માટે અગરવાલ ભાઇનો મહતમ ફાળો છે. જોગાનુજોગ મેં કરેલ તમામ પુલ, કેનાલ, રસ્તાના ટેન્ડરો અગરવાલને મળેલ છે. અગરવાલ અમારી પાર્ટી માટે સંકટની સાંકળ છે. જેને ખેંચવાથા પાર્ટી અને મને ખુદને ફંડ મળે છે. અગરવાલ ભાઇ હાજર છે?’ મેત્રીએ પૂછ્યું.
‘ સાહેબ, હું હાજર છું.’ અગરવાલે પહેલી લાઇન પરના સોફા પર બેઠા બેઠા હાથ ઉંચો કર્યો.
‘ આહીં સ્ટેજ પર વયા આવો, મારા બાપલિયા.’ એનાઉન્સરે અગરવાલને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપ્યું. અગરવાલ સ્ટેજ પર પહોંચ્યા. મંત્રીજીએ અગરવાલને બાથમાં લઇ લીધા. ટેબલ પર પડેલી એક શાલ અગરવાલને ઓઢાડી. એક ફૂલહાર અગરવાલને પહેરાવ્યો.
‘હું એક અસામાન્ય અસામાજિક કાર્યકર હતો. હું ધૂળમાં પડેલ ઝીરો હતો. આપણા સાહેબ,ધૂળધોયા છે. તેમની નજર મારા પર પડી. એમણે મને પરખી લીધો. મને પાર્ટીમાં સામેલ કર્યો. કાર્યક્રરમાંથી મંત્રી બનાવ્યો. હું આ ક્ષણે સાહેબનો આભાર માનું છું.’ એમ કહી મંત્રીએ ખેસથી પાડા જેવો ચહેરો લૂંછયો. હાઇ કમાન્ડની કૃપાદ્રષ્ટિમાં ટકી રહેવા જરૂર ન હોય તો પણ જાહેર મંચ પરથી મંત્રીઓએ ચાપલૂસી કરવી એ તેમની મજબૂરી હોય છે.
‘ કેનાલ ખાતાવાળા મારી પાસે આવ્યા અને મને આદરપૂર્વક કેનાલનું ઉદઘાટન કરવા અનુરોધ કર્યો. મારી ચેમ્બરમાં સાત હજાર ફાઇલ પેન્ડીંગ હોય, સળગતા સવાલો ધૂંધવાતા હોય, હાઇ કમાન્ડ દિલ્હી બોલાવતું હોય. પરંતું, મને કોઇ ઉદઘાટન કરવા આમંત્રણ આપે તો હું ઇન્કાર કરી શકતો નથી. હું પહેલેથી મોઢાનો મોળો છું.એટલે જ કેનાલને ખુલ્લી મુકવા આવ્યો છું’ મંત્રીજી બોલી રહ્યા હતા. ત્યાં તેમના પીએએ આવીને કાનમાં કશું કહ્યું.
‘ હેંએએં શું?’માઇક આડે હાથ રાખીન પીએને પૂછયું.
‘ ‘ મારા હાથે જેનું ઉદઘાટન કરવામાં આવેલ છે તે કેનાલના મજબૂતી એવી ઠસોઠસ છે કે તે વરસોવરસ ટકશે તેની મને શ્રધ્ધા અને વિશ્વાસ હતો. પરંતું,હમણા, મારા પીએએ મને માહિતી આપી કે મે હમણા ઉદધાટન કરેલ કેનાલનો એક ભાગ પાણીમાં વહી ગયો. તમે ગભરાશો નહીં, હું પણ ગભરાતો નથી. ગભરાવા જેવું કાંઇ નથી.’ મંત્રીએ જનતાને હિંમત બંધાવી.
‘ ભાઇઓ અને બહેનો, આપણા દેશમાં જ ઉદધાટન કાર્યક્રમ ચાલુ હોય અને નવનિર્મિત પુલ કે કેનાલ પતાના મહેલની જેમ તૂટી પડે તેવું નથી. અમેરિકાના મેકસિકો શહેરના મેયર લાકડાના બનેલા પુલનું ઉદધાટન કરતાં હતાં ત્યારે લોકોના કૂદવાથી લાકડાનો પુલ તૂટી જતાં મેયરને ઇજા થયેલ. કોંગો નામના દેશમાં રાષ્ટ્ર પ્રમુખ એક પુલનું ઉદઘાટન કરવા બાંધેલી રિબા કાતર વડે કાપતા હતા તે દરમિયાન જ પુલ દ્વસ્ત થયેલ. આપણે પણ વિદેશોની હરોળમાં આવવાની અનેરી સિધ્ધિ મેળવી છે તેનો મને આનંદ છે.(નાલેશીમાં પણ ગૌરવ? લો ઠોકો તાલી!)
‘ આપણા આદ્ય કવિ નર્મદે એક કવિતા લખેલ. નવ કરશો કોઇ શોક રસિકડા નવ કરશો કોઇ શોક. અત્યાર સુધી આ કવિતા મૃત્યુ પર લખાયેલ હોવાનો ભ્રમ હતો. પરંતું, એ જમાનામાં તાપી નદી પરનો પુલ તૂટી જવાની ઘટનાને લઇને નર્મદ કવિએ પુલ તૂટવાનો શોક ન કરવાનો અનુરોધ કરેલો તેવું મેં વાંચ્યું છે.’ મંત્રીજી સાહિત્ય રસિક હોવાનો પુરાવો રજી કર્યો.
‘ છેલ્લે મારે એટલું જ કહેવાનું કે ભગવાને મને અદભૂત મોકો આપ્યો છે.મે મારી જીંદગીમાં જેનું ઉદઘાટન કર્યું હોય એ કેનાલ મારી નજર સામે તૂટે એ પહેલી ઘટના છે. દિલ, કાચ કે કેનાલ તૂટવાનો આનંદ અલગ જ હોય છે. આ કેનાલ તો મજબૂત કહેવાય કે ઉદઘાટનનો ભવ્ય સમારોહ સંપન્ન થવામાં કેટલીક મિનિટ બાકી છે અને તૂટી છે. એના મહા નિવાર્ણ સમયે હજારોની જનમેદની ઉપસ્થિત છે. બાકી, કેટલાક કમનસીબ ઇમારતો ઉદઘાટનનો નજારો જોવાનો અવસર મેળવી શકતી નથી.’ મંત્રીજીએ કેનાલના તૂટવા પર આનંદ વ્યક્ત કર્યો.મંત્રીજીના હકારાત્મક દ્રષ્ટિકોણ પર જનતા ફીદા થઇ ગઇ અને મંત્રીજીના ભાષણને તાળીથી વધાવી લીધું.
હવે કાંઇ કહેવા જેવું છે ખરૂં?
ભરત વૈષ્ણવ