સત્ય વિચાર દૈનિક

ઉત્તરવાહિની પરિક્રમા જુના માર્ગે નહીં ચાલુ કરાય તો હોળી પછી સાધુ સંતોની ધરણા પ્રદર્શન સાથે આંદોલનની ચીમકી

ઉત્તરવાહિની પરિક્રમા જુના માર્ગે નહીં ચાલુ કરાય તો હોળી પછી સાધુ સંતોની ધરણા પ્રદર્શન સાથે આંદોલનની ચીમકી

રાષ્ટ્ર્રપતિ નિવાસ સ્થાન પર ઉપવાસ પર ઉતરવાની સાંવરિયા મહારાજની ચીમકી

સાધુ સંતોની એકજ માંગ: 21 કિમિ ઉત્તરવાહિની પરિક્રમા જુના રૂટ પર યથાવત રીતે જ શરૂ કરવામાં આવે

ઉત્તરવાહિની પરિક્રમા અંગેની નર્મદા કલેક્ટરની મિટિંગમાં સાધુ સંતો અને તંત્રનાં અલગ મતોથી કોકડું ગૂંચવાયું

નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા મંજૂરી મળવાની શક્યતા ઓછી

ત્રીજા રૂટ માટે તૈયાર રહેવાનાં તંત્ર સામે સાધુ સંતો ભક્તોમાં નારાજગી

પ્રતિ વર્ષે યાત્રિકોની સંખ્યામાં વધારો થાય છે

રાત્રિ પરિક્રમા બંધ કરવા આગેવાનો-સંતોની રજૂઆત

નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૮ એપ્રિલથી ૮ મી મે-૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી આ મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઈ રહી છે. પણ આ વખતે નદી પર હંગામી ધોરણે કાચો પુલ બનાવવા મંજૂરી મળવાની શક્યતા ઓછી હોવાથી અને તંત્ર 80 કિમિનાં લાંબા બસ રૂટથી પરીક્રમા કરવા પર તંત્રના નિર્ણય વચ્ચે કોકડું ગૂંચવાયુ છે ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા જુના માર્ગે નહીં ચાલુ કરાય તો હોળી પછી સાધુ સંતોએ આંદોલનની ચીમકીઆપતાં ચૂંટણી ટાણે તંત્ર પણ અવઢવમાં મુકાયું છે.

કલેકટર અને તંત્રની ટીમે બબ્બે ત્રણ ત્રણ વાર પરિક્રમા માર્ગ જગ્યાની મુલાકાત લીધા બાદ કલેકટર સાથે સાધુ સંતોની બબ્બે વાર બેઠકો યોજવા છતાં કોઈ ચોક્કસ નિર્ણય પર આવી શક્યાં નથી અને બન્ને વખતે મંત્રણા નિષ્ફ્ળ ગઈ છે ત્યારે પરિક્રમા નજીક આવી રહી છે ત્યારે આગામી દીવસોમા આ વિરોધ ચૂંટણી ટાણે વધે તો નવાઈ નહીં.

બેઠક માં સાધુ સંતોની એકજ માંગ છે કે ઉત્તરવાહિની પરિક્રમા જુના રૂટ પર યથાવત રીતે જ શરૂ કરવામાં આવે.વડોદરામાં હરણી તળાવમાં હોડી ડૂબવાની ઘટના બાદ તંત્ર નાવડી માર્ગે પરિક્રમા યોજવા તૈયાર નથી. એ માટે નાવડીઓ શરૂ કરવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. ત્યારે પરીક્રમાં વાસીઓ મૂંઝવણમાં મુકાયા છે કે આખરે પરિક્રમા ક્યાં માર્ગ પરથી શરૂ થશે?

અત્રે ઉલ્લેખનીય છે કે લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે.આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે.

જિલ્લા કલેક્ટરની મિટિંગ માં જણાવ્યું હતું કે કામચલાઉ બ્રિજ અંગે સંતો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને મળેલી રજૂઆત અંગે સરકારમાં કામચલાઉ બ્રિજની મંજૂરી અર્થે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મંજૂરી મળશે તો તે મુજબની કામગીરી કરવામાં આવશે, તેમ છતાં કાચા કામચલાઉ બ્રીજની મંજૂરી ન મળે તો ત્રીજા વિકલ્પ તરીકે પરિક્રમાનો રૂટ વિચારવાનો રહે છે. તમે પણ તમારા પ્રયાસો કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં રજૂઆત કરીને આ કાર્યમાં સહાયરૂપ બનજો.

કલેક્ટર સમક્ષ આગેવાનો અને સંતો દ્વારા રાત્રિ દરમ્યાન પરિક્રમા બંધ રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી પરિક્રમા સંચાલન અને આયોજનમાં સરળતા રહે તથા પરિક્રમાર્થીઓને અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ઉજાસમાં જ પદયાત્રા થાય તે ઈચ્છનીય છે.તંત્ર આનો સત્વરે ઉકેલ લાવે એવુ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે.
આ બેઠકમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના રણજીત સ્વામી, સ્વામી સહજાનંદ મહારાજ, ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના અમિતાબહેન, આનંદદાસ મહારાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!