અહેવાલ – હરીશ જોશી , કપડવંજ
કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ-૬૧ ઉમેદવારો ૨૬ બેઠકો માટે ચૂંટણી જંગમાં ઉતર્યા
તોરણા બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ થશે
કપડવંજ નગરપાલિકાના બે વોર્ડની બે બેઠકોની પેટા ચૂંટણીમાં વોર્ડ નં.-૨ માં બે અપક્ષ ઉમેદવારો અને વોર્ડ નં. ૬માં ભાજપ-કોંગ્રેસ સામસામે
કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી તેની ચરમ સીમાએ છે ત્યારે કુલ-૮૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ૧૯ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ થયા હતા. જ્યારે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.જેથી હાલ કુલ-૬૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે.ભાજપ તથા કોંગ્રેસે તમામ-૨૮ બેઠકો ઉપર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે એક ઉમેદવારે કોંગ્રેસમાંથી બળવો કરી આમ આદમી પાર્ટીના મેન્ડેન્ટ ઉપર ચૂંટણી જંગમાં ઉતર્યા છે.ત્યારે બે મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ કપડવંજ તાલુકા પંચાયત કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પક્ષોએ તાલુકા પંચાયત પર તેમનો જ દબદબો રહેશે તેવા દાવાઓ કર્યા છે.અલબત્ત કોંગ્રેસમાં જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી ઉમંગ મનુભાઈ પટેલ ની ટીકીટની ફાળવણીમાં સાઈડ કોર્નર કરતા બળવો કરી તોરણા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના મેન્ડેન્ટ ઉપર પોતાની ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં ઉતર્યા છે.ત્યારે તોરણા બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ થશે.આમ બન્ને મુખ્ય હરીફ પક્ષોએ પોતપોતાની સત્તાના દાવાઓ કર્યા છે.અલબત્ત ચૂંટણી પરિણામના દિવસે જ ખબર પડશે કે કોણ સત્તા સ્થાને આવશે.
જ્યારે કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં-૨ની પછાત વર્ગ સ્ત્રીની એક બેઠક માટે બે ઉમેદવારો પૈકી શેખ સબાનાબેન જાવીદભાઈ- અપક્ષ તથા વહોરા મુનીરાબેન અબ્દુલ લતીફ-અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ થશે.તથા વોર્ડ નં.૬ ની ૧ સામાન્ય બેઠક માટે સન્ની મનુભાઈ પટેલ-ભાજપ, પ્રકાશકુમાર મહેન્દ્રભાઈ નાયક- કોંગ્રેસ એમ બે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.અનંતકુમાર દ્વારકાદાસ પટેલ-અપક્ષ તથા ધીરેન્દ્રકુમાર કાળીદાસ ચારણ ગઢવી-અપક્ષ બન્ને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.