ડેપ્યુટી એકાઉન્ટન્ટ સહિત ૪ કર્મચારીઓને સાત દિવસ માટે ફરજમુક્ત કરાયાં હતા
નવ માસ પૂર્વે ભેદી ગેરરીતિ સામે આવ્યા બાદ આખરે તંત્રની લાલ આંખ,વર્ષ ૨૦૨૫-૨૬નું ઇન્ક્રિમેન્ટ પણ રોકી દેવાયુ હોવાની વિગતો
કપડવંજ નગરપાલિકામાં લાંબા સમયથી ચર્ચાસ્પદ બનેલા ₹૩૪ લાખના વેરા ઉચાપત પ્રકરણમાં આખરે તંત્રએ કડક વલણ અપનાવી ચાર કર્મચારીઓને ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહીને પગલે પાલિકાના કર્મચારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવ માસ પૂર્વે તત્કાલીન ચીફ ઓફિસર બિજલ પટેલની સતર્કતાથી ખુલેલા આ કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારીઓએ ઉચાપતની રકમ તો ભરી દીધી હતી, પરંતુ શિસ્તભંગના પગલે હવે તેમની સામે શિક્ષાત્મક ખાતાકીય પગલાં લેવામાં આવ્યા છે.
આ મામલાની વધુ માહિતી મેળવવા ચીફ ઓફિસર મેહુલ પરમારને રૂબરુ મળતા મૌખિક જણાવ્યું હતું કે
ગત ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મળેલી નગરપાલિકાની સામાન્ય સભામાં આ મામલે ગહન ચર્ચા બાદ સર્વસંમતિથી જે ઠરાવ પસાર કરવામાં આવ્યો તેમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જવાબદાર ચાર કર્મચારીઓને તા. ૫ માર્ચથી ૧૧ માર્ચ સુધી ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કર્મચારીઓનું વર્ષ ૨૦૨૫-૨૬નું વાર્ષિક ઇન્ક્રિમેન્ટ પણ રોકી દેવાનો આદેશ કરવામાં આવ્યો હોવાનું પ્રમુખ વર્ષાબેન પંચાલ દ્વારા મને લેખિતપત્ર દ્વારા જાણ કરી છે.
ઉચાપતના નાણાં ભરી દીધા છતાં છૂટકારો નહીં
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ ત્યારે સંડોવાયેલા કર્મચારીઓએ બદનામીથી બચવા ₹૩૪ લાખની રકમ તબક્કાવાર જમા કરાવી દીધી હતી. જોકે, સરકારી નાણાંની હેરફેર એ ગંભીર ગુનો હોવાથી, નગરજનોમાં ફેલાયેલા રોષ અને વહીવટી પારદર્શિતા જાળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આ મુદ્દો સમગ્ર કપડવંજ પંથકમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.
કપડવંજ નગરપાલિકાના ઈતિહાસમાં 34 લાખના ઉચાપત બાબતે ખાતાકીય તપાસ
કપડવંજ નગરપાલિકાના ટેક્સ વિભાગ અને એકાઉન્ટ વિભાગમાં અંદાજિત ₹34,00,000 (ચોત્રીસ લાખ) જેવી માતબર રકમના ઉચાપત મામલે જનરલ બોર્ડમાં લેવાયેલા નિર્ણય બાદ ચાર કર્મચારીઓને સાત દિવસ માટે ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા અને એક વર્ષનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું .જેને લઈને કપડવંજ શહેરમાં ખળભળાટ મચી ગયો છે.


