૨૦૨૪ થી ૨૦૨૬ બે વર્ષ સમગ્ર ગુજરાતભરમાં આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે
ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર
“જન જનમાં દેવત્વનો ઉદય અને ધરતીપર સ્વર્ગનું અવતરણ”, “પોતાનો સુધાર એ જ સંસારની સૌથી મોટી સેવા છે” આ સૂત્રોનો શંખનાદ કરનાર ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલાં ૧૯૨૬માં દિપક પ્રજ્વલિત કરેલ. આ અખંડ દીપકને ૨૦૨૬માં સો વર્ષ થવા જઈ રહેલ છે. આ દિપકના દિવ્ય પ્રકાશમાં હિમાલયની ઋષિસત્તાના માર્ગદર્શનમાં શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી સાધનાની શરૂઆત કરી ૨૪ વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. સાથે ભારતની આઝાદી માટે પણ સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા ભજવી. સમગ્ર માનવમાત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર અને યજ્ઞ- સંસ્કાર-રુષિ પરંપરાને જન જન સુધી પહોંચાડવા ગાયત્રી પરિવારની સ્થાપના કરી. સાથે સાથે સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, વ્યસનોના નિવારણ ,પર્યાવરણ બચાવ જેવા અનેક રચનાત્મક આંદોલન ચલાવ્યા. આજે તેઓના નિર્દેશાનુસાર સોળ કરોડથી પણ વધુ ગાયત્રી સાધકો માનવમાત્રને માટે જનસેવાના કાર્ય કરી રહ્યાં છે. સાથે જ આ સમગ્ર યોજનાને વિશ્વભરમાં કરોડો લોકો સુધી પહોંચાડવામાં માતાની મમતા સાથે પ્રાણ ફુંકનાર તેમજ નારી જાગરણનો શંખનાદ કરનાર પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ધર્મપત્નિ માતા ભગવતી દેવીનો જન્મ પણ ૧૯૨૬માં થયો હતો. તેઓની જન્મ શતાબ્દી અને અખંડ દીપકની શતાબ્દી ૨૦૨૬ માં થઈ રહેલ છે.
આ ૨૦૨૬ પહેલાં બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાન્તિ,સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જન જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી આ અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરુપે ” જ્યોતિ કળશ રથ ” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું . જે શાન્તિકુંજથી અખંડ દીપકમાંથી અભિમંત્રીત દિવ્ય કળશ શ્રદ્ધેયા શૈલજીજી તથા શ્રદ્ધેય ડૉ. પ્રણવ પંડ્યાજી દ્વારા ગુજરાતને અર્પણ કરવામાં આવ્યો. આદરણીય ડૉ. ચિન્મય પંડ્યાજી તથા આદરણીય શૈફાલીજી દ્વારા ગુજરાત ખાતે રથનું પૂજન કરવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા વિશ્વના પ્રથમ સ્થપાયેલ ગાયત્રી શક્તિપીઠ, શામળાજી ખાતે ચૈત્ર સુદ -૧ નવરાત્રી એ શુભારંભ કાર્યક્રમ કરવામાં આવ્યો.
પ્રથમ વિષ્ણુ મંદિરે રથયાત્રા પહોંચી રથનું સ્વાગત આરતી પૂજન કરવામાં આવ્યું. ૧૦ એપ્રિલ, બુધવારથી ભિલોડા તાલુકામાં ગામેગામ પરિભ્રમણ શરુ થયું. જેમાં દરેક ગામમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત પૂજન આરતી તેમજ જન જનમાં સદવિચારોની ક્રાન્તિ તેમજ સેવાના સંકલ્પો લેવાયા. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ તાલુકાઓ પછી ગુજરાતભરમાં દરેક જિલ્લાઓમાં ૨૦૨૬ શતાબ્દી વર્ષ સુધી પરિભ્રમણ કરશે.
જ્યોતિ કળશ રથ યાત્રાના શામળાજી ખાતે શુભારંભ કાર્યક્રમમાં શાન્તિકુંજ હરિદ્વારથી ઉદય કિશોર મિશ્રાજી, દયાનંદજી, તારાચંદજી, ડૉ. વિરલ પટેલ ઉપસ્થિત રહ્યા. ગાયત્રી પરિવારના ગુજરાત ઝોનલના અગ્રણી અશ્વિનભાઈ જાની, કનુભાઈ પટેલ, જયેશભાઈ બારોટ, હિરેનભાઈ રાવલ, રમેશભાઈ જોષી, ગાયત્રી પરિવાર ગુજરાતના યુવા સંયોજક કિરિટભાઈ સોની, ગાયત્રી શક્તિપીઠના અરખાભાઈ, સાબરકાંઠા જિલ્લા સંયોજક એ.એસ.પટેલ, અરવલ્લી-સાબરકાંઠા સહિત ગુજરાતભરમાંથી અગ્રિમ ગાયત્રી સાધકો ઉપસ્થિત રહ્યાં.
અલ્પેશ ભાટિયા – માલપુર