સત્ય વિચાર દૈનિક

બે વર્ષ દરમ્યાન કપાયેલા નાણાં  પરત મળતાં ખેડૂતને મળ્યો ન્યાય, બેન્ક ઓફ બરોડા મોટી ઝેર શાખાએ વ્યાજ સાથે ₹ 1.50 લાખ પરત અપાવવામાં અહમ્ ભૂમિકા ભજવી

બેન્ક ઓફ બરોડા મોટીજેર બ્રાન્ચ મેનેજરના સહકાર અને સતત ફોલોઅપ થકી ખેડૂતને રકમ પરત મળી

અહેવાલ તસવીર , જયદીપ દરજી તથા હરીશ જોશી કપડવંજ

એક અભણ ખેડૂત પરિવારને થયેલા આર્થિક અન્યાયનો અંતે સુખદ અંત આવ્યો છે. કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામ સ્થિત બેન્ક ઓફ બરોડાની શાખામાંથી થયેલી ગંભીર ભૂલને બે વર્ષ બાદ સુધારી ખેડૂતના ખાતામાં વ્યાજ સાથે કુલ ₹ 1,50,350/- જમા કરાવવામાં આવ્યા છે આ સમગ્ર પ્રક્રિયામાં કપડવંજના અનંત પટેલની અસરકારક રજૂઆત અને બેંક મેનેજરના હકારાત્મક અભિગમથી ખેડૂત પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે.


મોટી ઝેર ગામના વતની પરમાર શંકરજી ચતુરજી, જેઓ બેન્ક ઓફ બરોડામાં સેવિંગ એકાઉન્ટ ધરાવે છે, તેમણે વર્ષ 2021માં ક્રોપ લોન લીધી હતી. તે સમયે ‘બેંક મિત્ર’ દ્વારા ફરજિયાત પોલિસી હોવાનું કહી ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સની વાર્ષિક ₹ 50,000 પ્રીમિયમવાળી પોલિસી લેવડાવવામાં આવી હતી.
ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા બાદ, શંકરજીએ પોલિસી બંધ કરાવી ત્યારે નિયમ મુજબ તેમને ₹ 1,15,000 પરત મળ્યા હતા. પરંતુ પોલિસી બંધ થયા પછી પણ તેમના ખાતામાંથી અન્ય કોઈ પોલિસી ધારકના નામે ₹51,000 કપાઈ જતાં ભારે ગેરવ્યવસ્થા સર્જાઈ હતી અચાનક ખાતામાંથી મોટી રકમ ગાયબ થતાં અભણ ખેડૂત પરિવાર ભારે ચિંતામાં મુકાયો હતો.

મામલો પ્રકાશમાં આવતા જ સામાજિક કાર્યકર અનંત પટેલે આ મુદ્દો ગંભીરતાથી હાથ ધર્યો તેમણે મોટી ઝેર શાખાના મેનેજર સાથે સીધો સંપર્ક કરી પુરાવા સાથે વિગતવાર રજૂઆત કરી, બેંક મેનેજરે પણ જવાબદાર અને હકારાત્મક વલણ દાખવી તપાસ કરાવતા જાણવા મળ્યું કે શંકરજીના ખાતામાંથી ભૂલથી એક નહીં પરંતુ લગભગ અન્ય ત્રણ હપ્તાની કપાત પણ કરવામાં આવી હોય તેવી માહિતી મળી હતી.

સતત ફોલો-અપ અને યોગ્ય રજૂઆતના પરિણામે, આખરે બે વર્ષના લાંબા ગાળા બાદ ખેડૂત શંકરજીના ખાતામાં વ્યાજ સહિત કુલ ₹ 1,50,350/- જમા કરવામાં આવ્યા, બેંક દ્વારા પોતાની ભૂલ સ્વીકારી નાણાં પરત કરાતા શંકરજી અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને અનંત પટેલ તથા બેંક મેનેજરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કેસમાં અનંત પટેલે કપડવંજ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના ફિલ્ડ ઓફિસર તેમજ Consumer Confederation of India (CCI)ના ખેડા જિલ્લા પ્રમુખ તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ આવા સંવેદનશીલ કેસોમાં વ્યક્તિગત રસ લઈને બેંક તથા સંસ્થાઓ સમક્ષ દૃઢ રજૂઆત કરે છે અને સામાન્ય, અભણ તથા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ન્યાય અપાવવા સતત પ્રયત્નશીલ રહે છે તેમની નિષ્ઠાવાન અને નિષ્કામ કામગીરીથી તાલુકાના અનેક નાગરિકો અને ખેડૂતોના હિતોની રક્ષા થઈ રહી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે

આ ઘટના અન્ય ખેડૂતો અને ખાતાધારકો માટે ચેતવણીરૂપ છે. લોન લેતી વખતે કોઈ એજન્ટ અથવા ‘બેંક મિત્ર’ની વાતોમાં આવીને પૂરતી માહિતી વિના પોલિસી ન લેવી, તેમજ ખાતામાં થતી દરેક કપાત પર નિયમિત નજર રાખવી અત્યંત જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!