હરીશ જોશી – કપડવંજ
સવારે આઠ થી રાત્રે આઠ સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ હતો તે આવકારદાયક હતો જે આગામી ૨૩ જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે જેને કાયમી કરવાની તજવીજ કરવાની પ્રજાની માંગ
ભારે વાહનો માટે પ્રતિબંધિ હોવા છતાં પણ ભારે વાહનોનું પરિવહન અને વિકાસપથ પરના દબાણોથી પ્રજામાં આક્રોશ
કપડવંજ નગરમાંથી પસાર થતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.જે બે માસ બાદ પછી માર્ચ માસ પછી ઉઠાવી લેવામાં આવ્યો હતો.જેનો પુનઃ અમલ કરાવી આગામી ૨૩ જુલાઈ સુધી રહેશે.પરંતુ હાલ ભારે વાહનોની અવર-જવરથી પ્રજા માટે શીરદર્દ સમાન પુરવાર થઈ રહ્યું છે.ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ આજે પણ ભારે વાહનો પરિવહન કરી રહ્યા છે. કાયદાની પણ કોઈ પરવા નથી તેમ બે રોકટોક ભારે વાહનો પરિવહન કરતા અકસ્માતોને કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. તાજેતરમાં જ એક આશાસ્પદ યુવકનો ભારે વાહન સાથે અકસ્માત સર્જાતા તેનું મોત નિપજ્યું હતું.જેથી ભારે વાહનો ઉપર પુનઃ પ્રતિબંધ મુકવાની તાતી જરૂરિયાત છે.અને તેની અમલવારી કડક રીતે થાય તે પણ એટલું જ જરૂરી છે.સાથે સાથે વિકાસ પથ ઉપર દબાણોને કારણે ૪૦ ફૂટ પહોળો રસ્તો દિવસે અડધાથી પણ ઓછો પહોળો હોય તેમ દેખાઈ રહ્યો છે.જ્યારે આ પ્રતિબંધ હતો ત્યારે કપડવંજ નગરને ટ્રાફિકની સમસ્યામાંથી મહદ્અંશે મુક્તિ મળી હતી.પરંતુ હવે ટ્રાફિકની સમસ્યા પહેલાની જેમ બની જતા કયારેક કોઈકનો ભોગ લેશે તેવી ચર્ચાઓએ આજકાલ કેન્દ્ર બિંદુ બની છે.
કપડવંજ શહેરમાંથી હાલ એસ. એચ.૧૫૧,ડાકોર-કપડવંજ, એન. એચ.૮૪૮કે (નડીઆદ- કપડવંજ -મોડાસા) તથા એસ.એચ. ૧૪૧ (દહેગામ-કપડવંજ- બાલાસિનોર)નો સમાવેશ થાય છે.કપડવંજ નગરના ત્રિવેણીપાર્ક સર્કલે નડીઆદ,મોડાસા અને ગાંધીનગર એમ ત્રણ રોડ જોડે છે અને તે શહેરની મધ્યમાં છે.જેથી ત્રણેય બાજુએથી આવતા તમામ વાહનોની અવર-જવર હોય છે. ડાકોર ચોકડી વિસ્તારમાં નડીઆદ અને ગાંધીનગરને રોડનો ટ્રાફિક અને મોડાસા-બાલાસિનોર અવર-જવર કરતા વાહનો દિવસ રાત મોટા પ્રમાણમાં અવિરત ચાલુ હોય છે.આ મુખ્ય સર્કલો વચ્ચે શહેરના મુખ્ય બજાર અને બસ સ્ટેન્ડ હોવાથી ખૂબ જ સદંતર ટ્રાફિક જામ રહે છે.જેથી આજ કાલ આ માર્ગો બિન સલામત બની જવા પામ્યા છે.અને તેને લઈને નાગરિકોમાં ભયની લાગણી પેદા થઈ રહી છે. કપડવંજના ઉપરોક્ત હાઈવે પર સવારથી માંડી મોડી રાત્રિ સુધી ભારે વાહનો ઉપરાંત લક્ઝરી બસો,રેતી-કપચીના ડમ્પરો, કેમીકલના વાહનો,વિશાળ મશીનરી સાથેના મોટા વાહનો અને પ્રદુષણ ધરાવતા કેમીકલના નિકાલ માટે જતી ટેન્કરોથી ઉભરાઈ રહ્યો હતો.પરંતુ ભારે વાહનો પર પરિવહન માટે પ્રતિબંધિત હોય પ્રારંભમાં તેની અમલવારી જોવા મળતી હતી પરંતુ હાલ ભારે વાહનો પરિવહન કરી રહ્યા છે. હાઈવેને જોડતી પાંચ ચોકડીમાંથી પ્રત્યેક ચોકડી ઉપર પ્રાથમિક અને માધ્યમિક શાળા,બાલ મંદિર, કોલેજો ઉપર જવાને રસ્તે પડે છે.તથા વિવિધ શાળા,મહાશાળા ઓ આવેલી છે.જેમાં હજ્જારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે.ઉપરાંત એસ.ટી.ડેપો,અનેક દુકાનો જાહેર રોડ ઉપર આવેલ છે.એટલે મુસાફરો સહિત ગ્રાહકો પણ હજ્જારોની સંખ્યામાં આવન- જાવન કરે છે.તથા વિવિધ ધાર્મિક સ્થાનો હોય મહિલાઓ અને વૃધ્ધો વધુ સંખ્યામાં અવર-જવર કરે છે.ઉપરાંત અનેક સોસાયટીમાં જવાનો રસ્તો આ ચોકડીઓ ઉપરથી જ પસાર થાય છે.જેને કારણે પરિવહન પણ વિશેષ રહે છે.તદ્ ઉપરાંત રસ્તાઓ પરના દબાણોથી ત્રસ્ત રાહદારીઓ, દ્વિચક્રી વાહન ચાલકો માટે જગ્યા જ રહેતી નથી તેથી અકસ્માત વધી જવાની શક્યતાઓ રહી છે.તથા અનેક વખત નિયમસર પિરવહનના અભાવે અથવા તો કોઈ અકસ્મિક કારણોસર ટ્રાફિક જામના કિસ્સા સામાન્ય બની ગયા છે.જેથી સત્તાવાળાઓએ સત્વરે નિર્ણય કરીને ટ્રાફિક નિયંત્રણ ઉપરાંત સવારે આઠ થી રાત્રિના આઠ સુધી ભારે વાહનો આ હાઈવે ઉપરથી પસાર થાય નહીં તે માટે પુનઃ પ્રતિબંધ મુકવાની પ્રજાની લાગણી અને માંગણી છે.આ બાબતે સત્તાધીશો જરૂરી કાર્યવાહી કરે અને સ્થાનિક નેતાઓએ રસ લેવો જોઈએ તેવું પ્રજાના સુરમાં સંભળાઈ રહ્યું છે

