‘અહમનો ત્યાગ’
ઉપર આકાશમાં ઉડતા પંખીઓ ને જોઈને મનમાં વિચાર આવ્યો કે, ચાલ હું પણ એની જેમ ઉડી જોઉં તો!.. અને પછી, પળભર માટેય ધરતી પર નહીં આવું. બસ આ જ વિચાર પંખીમાં નય આવ્યો ને માનવમાં આવ્યો કેમ? પંખીને ખબર જ છે! એને ધરતી પર ઉગેલા એ વૃક્ષ ડાળે બાંધેલા માળામાં જઈને આરામ મળશે.
એક નદીની સાંત્વના ભરેલો અવાજ અતિપ્રિય લાગી રહ્યો હોય. અને જ્યારે એનું જળ ગરમીમાં સ્તર ઓછો કરી દે છે ત્યારે ખ્યાલ આવે છે કે એમાં રહેલા કેટલાય પથ્થર સૂકા સાવ ચીંધરા દેખાઈ રહ્યા છે. સમય વિતતો જાય.. પથ્થર આખરે તિરાડવાળો થઈ જાય એની આ જ તિરાડો પર પાણી પીવાની આશાએ બેઠેલું પંખી ચરક પાડીને ઉડી જાય.. એમાંથી એકાદ વેલ, કે ઔષધિનો છોડ ઉગી નીકળે.. ધીરે ધીરે સમય સંગાથે મોસમ પરિવર્તન થવા માંડે.. મેઘના વાદળ ભરાય, થોડાં ટીપાં પેલી વેલ, છોડને તૃપ્ત કરે.
આમ, જો નદી જળસ્તર જો ન ઘટે તો! આ પથ્થર પર વનસ્પતિ ક્યાંથી ઉગે? નદી ખુશ થાય કે અહમ આણે? કે મારા સિવાય કશું સંભવ જ નથી! વાતો જીવનમાં ઘણી ઉતારવા જેવી છે આમ તો, પણ એના માટે અહમ ત્યાગ કરવો પડે!.. જેમ કે પ્રાર્થના કરતી વેળાએ પ્રભુ પર ધ્યાન ન હોય ,મન ક્યાંક ભટકતું રહે તો પછી આપણા મનનો સંદેશ આપણા ઈશ્વર સુધી કેવી રીતે પહોંચે?
‘મા’ બની બાળક સમાન હરેક મન જોવું, પિતાની લાગણી દર્શાવી સહાયતા કરવી, મિત્રની વાત યોગ્ય ન લાગે તો તરછેડવા કરતા એના ભાવ સમજવા, કોઈની વાતનું મનદુઃખ ક્રોધ, ઈર્ષા કટુવચનથી ન વાળવું. જીવનમાં બધું જ આપણી ઈચ્છા અનુસાર મળતુ નથી. પણ! અહમ હોય ત્યાં ક્યાં કશું મળે છે? જાણી લેવું ચોક્કસ જોઈએ.