મનોજ રાવલ – સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકો માટે 15 બેડની સુવિધા કરવામાં આવી છે.તેમજ પાંચ અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત જરૂર જણાય તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના 14 કેસ નોંધાયા છે. જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જેમાં મૃત્યુઆંક 06 છે. પ્રભારી મંત્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.
આ મુલાકાતમાં સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.