તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા
મહુધા કેન્દ્રમાં અંદાજે 1800 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસએસસી (ધોરણ 10) અને એચએસસી (ધોરણ 12) બોર્ડ પરીક્ષાઓ સમગ્ર રાજ્યમાં ગત્ 26 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થઈ છે. રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની શરૂઆત થઈ હોવાનું જોવા મળ્યું હતું.
મહુધા કેન્દ્ર ખાતે પણ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં યોજાઈ રહી છે. એસ.પી.શાહ હાઈસ્કૂલ, મહુધા નાગરિક સહકારી કન્યા વિદ્યાલય, કે.એમ.પટેલ પ્રાથમિક શાળા, કોહિનૂર હાઈસ્કૂલ તેમજ પંચજન્ય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 47 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધોરણ 10ની એસએસસી પરીક્ષામાં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના આશરે 500 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં હાજરી નોંધાવી હતી. વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્રો પર પહોંચ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપી રહ્યા હોવાનું નિરીક્ષણ થયું હતું.
વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે મહુધા કેળવણી મંડળ તથા કોહિનૂર શાળા મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિ કાન્ત શાહ, મંત્રી મહેશભાઈ.પી.પટેલ, શાળાનાં આચાર્ય સંજયકુમાર પંચાલ, મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મધુભાઈ રબારી, એડવોકેટ પંકજભાઈ ત્રિવેદી, એડવોકેટ વિપુલભાઈ દવે, એડવોકેટ પ્રવીણભાઈ શર્મા, નિરંજનભાઈ, અલ્પેશભાઈ વાધેલા તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાના આચાર્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી દેખરેખ, જરૂરી સુવિધાઓ અને અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. દરેક કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો, જેથી વિદ્યાર્થીઓ નિરાંતે અને એકાગ્રતાપૂર્વક પોતાની પરીક્ષા આપી શકે. મહુધા કેન્દ્ર ખાતે બોર્ડ પરીક્ષાની શરૂઆત સફળતાપૂર્વક થતા શિક્ષણજગતમાં સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ પરીક્ષાઓ આવી જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


