સત્ય વિચાર દૈનિક

કાવઠ ગામના પરમાર પરિવારની ‘સ્ટાર’ દીકરીઓએ ઇતિહાસ રચ્યો

કાવઠ ગામના પરમાર પરિવારની ‘સ્ટાર’ દીકરીઓએ ઇતિહાસ રચ્યો

અહેવાલ તસવીર – જયદીપ દરજી તથા હરીશ જોશી, કપડવંજ

પરિવાર ,ગામ, સમાજ અને સમગ્ર ખેડા જિલ્લાનું ગૌરવ વધાર્યું

એક પિતાના ૩૨ વર્ષના તપની પરાકાષ્ઠા એટલે તમન્ના અને શીતલની સફળતા

એક જ આંગણેથી પિતા, પુત્ર અને હવે બે સગી બહેનો પણ હવે પોલીસ વિભાગમાં

  ગુજરાતના કપડવંજનું આ પરિવાર દેશ માટે બન્યું મિસાલ

કહેવાય છે કે “સંસ્કાર અને શિસ્ત જો લોહીમાં હોય, તો સફળતા કદમ ચૂમે છે.” આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાવઠ ગામના એક સામાન્ય પણ ખુમીદાર પરિવારે. મનુભાઈ મંગળભાઈ પરમારના ઘરે આજે હર્ષના આસું અને ગર્વની હેલી ચડી છે, કારણ કે તેમની બે લાડકવાઈ દીકરીઓ, તમન્ના અને શીતલ, એકસાથે ગુજરાત પોલીસમાં PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) તરીકે પસંદગી પામી છે.

પિતાના પગલે સંઘર્ષથી સિદ્ધિ સુધીની સફર

આ  માત્ર બે બહેનોની સફળતાની નથી, પણ એક પિતાના ૩૨ વર્ષના તપની છે. મનુભાઈ પરમારે ત્રણ દાયકા પહેલા એક કોન્સ્ટેબલ તરીકે ખાખી વર્દી ધારણ કરી હતી. આજે તેઓ આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ મથકે ASI તરીકે ફરજ બજાવે છે. તેમની નિષ્ઠાનો વારસો તેમના સંતાનોમાં એવો ઉતર્યો કે આજે આખો પરિવાર ‘ખાખી’મય બની ગયો છે.

  પિતા-પુત્રની જોડી
મનુભાઈનો પુત્ર દીપક પણ ૨૦૨૩માં પોલીસમાં ભરતી થયો અને યોગાનુયોગ પિતા-પુત્ર એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીને સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

  દીકરીઓની ઉંચી ઉડાન
મોટી દીકરી તમન્ના પહેલેથી જ કોન્સ્ટેબલ તરીકે ખંભાતમાં ફરજ બજાવતી હતી, જ્યારે નાની દીકરી શીતલ પણ ખાખીના રંગે રંગાયેલી હતી. પરંતુ આ બંને બહેનોનું લક્ષ્ય માત્ર નોકરી નહીં, પણ ‘અધિકારી’ બનીને સમાજની સેવા કરવાનું હતું.

કાવઠ ગામની બહેનોનો સંઘર્ષથી PSI સુધીનો ઇતિહાસ

તમન્ના પરમારે જનરલ ફિમેલ મેરિટમાં  46મો નંબર અને SC કેટેગરી પ્રથમ ક્રમાંક તેમજ શીતલ પરમારે  જનરલ ફિમેલ મેરિટ  42મો નંબર અને SC કેટેગરી  ચોથો ક્રમાંક મેળવીને માતા પિતાનું નામ રોશન કર્યું છે.તાજેતરમાં જાહેર થયેલા PSI ના પરિણામોમાં આ બંને બહેનોએ જે રીતે મેદાન માર્યું છે, તે જોઈને આખું ગુજરાત દંગ છે. આ બંને બહેનો 2023માં ભાઈ સાથે એકસાથે પોલીસ કોન્સ્ટેબલમાં પસંદગી પામી હતી.ખાસ વાત એ છે કે શીતલ પરમાર 2023માં PSI ફાઈનલ મેરિટમાં માત્ર 4 માર્ક્સથી રહી ગઈ હતી,છતાં નિરાશ થયા વગર સતત મહેનત ચાલુ રાખી. આ વર્ષે બંને બહેનોએ લોકરક્ષક અને PSI જેવી બે સરકારી નોકરી મેળવી ફરી ઇતિહાસ રચ્યો છે. 2023માં કોન્સ્ટેબલ અને 2025માં PSI — એક જ પરિવારની બે બહેનોની આ સફળતા સમગ્ર કપડવંજ માટે ગૌરવની ક્ષણ છે.આ તેમની રાત-દિવસની મહેનત અને એકબીજા પ્રત્યેના વિશ્વાસનું પરિણામ છે.

સમાજ માટે એક દિવાદાંડી

આજની પેઢી જ્યારે ટૂંકા રસ્તાઓ શોધતી હોય છે, ત્યારે કાવઠ ગામનું આ પરમાર પરિવાર સાબિત કરે છે કે જો પરિવારનો સાથ હોય અને મનમાં મક્કમ નિર્ધાર હોય, તો ગામડાની દીકરીઓ પણ આકાશ આંબી શકે છે.”અમે માત્ર નોકરી નથી મેળવી, અમે પિતાના ગૌરવને નવી ઊંચાઈ આપી છે.” — આ શબ્દો છે તે બે બહેનોના, જેઓ હવે ખભા પર બે સિતારા લગાવીને કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરશે.

મમ્મીના સંઘર્ષ, પ્રેરણા થકી PSI સુધીની સફર પૂર્ણ

PSI તરીકે પસંદગી પામેલ તમન્ના અને શીતલ પરમાર પોતાની સફળતાની ખુશીમાં સૌથી પહેલા પોતાની માતા હંસાબેન પરમારને યાદ કર્યા. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે અમારું બાળપણ પોલીસ લાઈનમાં જ પસાર થયું.ખાખી વર્દીનો ગૌરવ અને પ્રેમ અમારી મમ્મીએ જ અમારામાં વાવ્યો હતો.મમ્મીએ ઘણો સંઘર્ષ કર્યો, અનેક તકલીફો સહન કરી.આજે અમે જે કંઈ છીએ તે માત્ર અમારા મમ્મી-પપ્પાના ત્યાગ અને સંસ્કારોનું પરિણામ છે.PSI ના બે સિતારા પહેર્યા છે, પરંતુ તેમાં મમ્મીના સંઘર્ષનો તેજ ઝળહળે છે અમને હંમેશા અમારા માતા-પિતા પર ગર્વ રહેશે.

બંને દીકરીઓ PSI પરીક્ષામાં પાસ થઈ તે બાબતે તેમના ASI પિતા મનુભાઈ પરમાર સાથે માહિતી માટે ટેલિફોનીક વાત કરતાં સમગ્ર માહિતી મેળવી ત્યારે તેઓ ખૂબ ખુશ હતા અને બંને દીકરીઓ પર ગર્વ સાથે અભિનંદન આપ્યા હતા.

આ પરિવાર આજે માત્ર કપડવંજ કે ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર ભારત માટે પ્રેરણા સ્ત્રોત છે. જે ઘરના ચાર-ચાર સભ્યો દેશની સુરક્ષા માટે સમર્પિત કહેવાય.

અભિનંદન કાવઠ ગામના આ ‘ખાખી’ના ખમીરવંતા પરિવારને.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!