અનંત ચૌદશ નજીક આવી રહી છે. ગણપતિ બાપાનું વિસર્જન ટૂંક સમયમાં થશે.દર વર્ષે પ્રિન્ટ મીડિયા , ટીવી અને સોશ્યલ મીડિયામાં યુવાનોના ડૂબવાના સમાચાર હોય છે. મને ગઈસાલ મહેમદાવાદમાં બનેલી એક ઘટના યાદ આવી જેમાં એક જ ગામના ૭ યુવાનો ગણપતિની મૂર્તિ ડૂબાડવા ગયા અને એ ડૂબી ગયા. આ ઘટના યાદ આવી ત્યારે એ માતા પિતા, ભાઈ બહેન , કુટુંબી તેમજ એ ગામના ચહેરા સામે આવ્યા. નર્યું કલ્પાંત સામે આવ્યું. એટલે જ થયું કે , અત્યારથી જ તમામ સમાજના અઢારે વર્ણના લોકો એલર્ટ થઈ જાય. આ વખતે ગુજરાતનો એક પણ યુવાન કે યુવતી કમોતે ના મરવા જોઈએ. આ માટે જ આ આર્ટિકલ લખી રહ્યો છું. કૃપયા આ જન જાગૃતિ અભિયાનમાં સામેલ થાઓ. વધારેમાં વધારે લોકો સુધી આ મેસેજ પહોંચાડી દો. કાશ તમારા એક શેર કરવાથી કોઈકનું જીવન બચી જાય.
આ વખતે વરસાદ વધુ છે. નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. પાણી ક્યાં ઊંડું છે ક્યાં ખાડો છે એ કઈ ખબર પડે એમ નથી. ડૂબવાના કિસ્સામાં હમણાં નો એક કિસ્સો યાદ આવ્યો જેમાં ગાંધીનગરના ડોકટર પોતાની દીકરીના ગૌરીવ્રત નિમિત્તે જ્વાળા વળાવવા કેનાલમાં ઉતર્યા. પગ લપસ્યો અને ડોકટર ડૂબી ગયા. એક જીવન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું. એક નાની દીકરીએ પિતા અને એક યુવાન પત્નીએ પતિ ગુમાવ્યો. આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે : લખેલું હશે. મિત્રો , કિસ્મતને દોષ આપવો એ ખોટી ગેર માન્યતા છે. જો સતર્ક રહો તો આવા અચાનક અપમૃત્યુના કેસમાંથી ઘણા કેસ બચી શકે એમ છે.
ખાસ ગુજરાત ભરના એ માતા પિતાને જણાવવાનું કે : ધોરણ ૫ થી લઈને ૨૮ વર્ષ સુધીના તમામ વ્યક્તિઓને એના માતા પિતા વિસર્જન વખતે જતા હોય એ વખતે પાણીમાં નહીં ઉતરવા દે. અથવા ઉતરવાનું થાય તો બસ કિનારે જ વિસર્જન કરી પાછા આવવા માટે જાણ કરવી. એ દિવસે પોતાના બાળક ઉપર સતત નજર રાખવી. એક મિનિટ માટે પણ જો તમે નજર ચકશો તો આખી ઝીંદગી રોવાનો વાળો આવશે. ચાલો થોડા સ્ટેપ સમજી લઈએ.
૧. તરતા આવડતું હોય એ લોકો જ વિસર્જન કરવા જાય.
૨. નાના બાળકોને કિનારે રાખવા. આ માટે એક ટીમ બનાવવી જે સતત દેખરેખ રાખે.
૩. યુવાનો જ્યારે ઉત્સાહમાં હોય ત્યારે એવા ઉત્સાહી યુવાનોને ખાસ રોકવા. થોડીવાર વિસર્જન રોકી એને સમજાવી બહાર જ કાઢવા.
૪. સાથે જાઓ તો મોટું દોરડું લઈ જાઓ એનો ઘેરો બનાવો અને વચ્ચે વિસર્જન કરનાર લોકો હોય.
૫. ભલે તરતા આવડતું હોય વહેમમાં ના રહેવું. ઊંડા પાણીમાં જવાનું ટાળવું.
૬. જે જગ્યાએ વિસર્જન કરવા વધુ લોકો આવતા હોય ત્યાં બચાવ ટીમ તૈયાર રાખવી.
૭. માતા પિતાએ બાળકોને રેઢા મુકવાના બિલકુલ નથી.
જાગૃતિ એ જ બચાવ છે. આ આર્ટિકલ વાંચતા તમારા વહાલસોયા દીકરા કે દીકરી પર નજર કરો. યુવાનો તમારા માતા પિતા અને બહેનના ચહેરાને યાદ કરતા વિચારો કે જો હું ડૂબી જઈશ તો આ લોકોની હાલત કેવી થશે ? આમની આંખોમાં મારા ઉન્માદ અને ઉત્સાહને કારણે જીવનભર આંસુ હું નહી આવવા દઉ. હું વિસર્જન વખતે ઊંડા પાણીમાં નહીં જાઉં. હું સતર્ક રહીશ. હું મારી જાત સાથે જીવવા માંગુ છું. હું મારા પરિવાર માટે જીવવા માંગુ છું. હું અંદર નહીં જાઉં. હું ઊંડા પાણીથી દૂર જ રહીશ.
તમામને ફરી વિનંતી કે આ વખતે ડૂબીને મરી જવાનો એક પણ કેસ નોંધાવો ના જોઈએ. ચાલો કટિબદ્ધ બનીએ. તમામ લોકો સુધી આ વાત પહોંચાડી કોઈનું જીવન બચાવીએ…
છેલ્લે : ગણપતિ બાપા કયારેય એવું નથી કહેતા કે મને ઊંડા પાણીમાં લઈ વિસર્જન કરો. મારી મોટી મૂર્તિ લાવો,
પ્રિન્ટ મીડિયા, સોશ્યલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તમામને વિનંતી કે આ માટે જન જાગૃતિ ફેલાવશો.
ચાલો તો બધા…આ જન જાગૃતિ ફેલાવીએ….
લેખક
કેતન મંજુલાબેન પટેલ.