સત્ય વિચાર દૈનિક

“તમારું બાળક ખૂબ તેજ દોડી શકે છે,જો તમે તેની પીઠ પરથી ઉતરી જાઓ તો.”

“તમારું બાળક ખૂબ તેજ દોડી શકે છે,જો તમે તેની પીઠ પરથી ઉતરી જાઓ તો.”

                  માતા પિતાનું સન્માન જાળવવું એ ખૂબ અગત્યની વાત છે. પરંતુ માતા-પિતા માટે સંતાનનું પાલન પોષણ કરવું એ પણ એક ખૂબ જ અગત્યની અને જવાબદારી માંગી લે તેવી બાબત છે. માતા-પિતા તરીકે તમે બાળકને શિક્ષણ સમૃદ્ધિ સ્વાસ્થ્ય તો આપી દેશો પરંતુ આ બધા વચ્ચે જો સંસ્કાર આપવાનું ચૂકી જશો તો ઈશ્વરે તમારા પર મુકેલો વિશ્વાસ ચુકી જશો.

        સુંદર મજાની વાત કરીએ તો મોટરકાર અને ડ્રાઇવરમાં મોટરકાર ગમે તે કંપનીની હોય પણ જો ડ્રાઇવરને મોટર કાર ચલાવતા આવડતી હોય તો જ મંઝિલ સુધી પહોંચી શકાય. સાહેબ મોટરકાર ચલાવવાની પણ તાલીમ લેવી પડે છે. લગભગ દરેક કામને શ્રેષ્ઠ રીતે કરવા તાલીમ લેવી પડે છે. પરંતુ, દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કામ બાળઉછેર છે જેની તાલીમ દુનિયાના કોઈપણ માતા-પિતા લેતા નથી.  સંતાનરૂપી ગાડી ચલાવતા માતા પિતાએ ડ્રાઇવરરૂપી તાલીમ લીધેલ હોતી નથી. જેથી ઘણા પાસે મર્સિડીઝ કાર હોવા છતાં તેને અથડાવી, ભટકાવી, ડેમેજ કરે છે અને મંજિલ સુધી પહોંચતી જ નથી અને ઘણા પાસે અલ્ટો  હોવા છતાં ખૂબ જ સુંદર રીતે ચલાવી મંજીલ સુધી પહોંચાડી દે છે. આપણે શારીરિક રીતે માતા-પિતા બની ગયા પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે માતા પિતા બનવામાં ઘણા પાછળ રહી ગયા છીએ.

        બાળક પાંચ વર્ષ સુધીમાં પોતાના વિકાસનો એંસી ટકા ભાગ પૂર્ણ કરે છે. નાનું બાળક જાણી  માતા-પિતા તેના વર્તન પર નજર નથી રાખતા . પરંતુ ,આ ઉંમરે તેનું મેમરી કાર્ડ સાવ કોરું જ હોય છે.   જોયેલું સીધુ જ પ્રિન્ટ થાય છે અને સાંભળેલું રેકોર્ડ થાય છે. જે પાંચ વર્ષ પછીના વર્ષોમાં સંસ્કાર સ્વરૂપે પ્રગટ થાય છે.માટે બાળકોની સામે આપણા વર્તનની ખૂબ કાળજી લેવી ઘટે.  આપણે જ આપણા બાળકને કોસતા હોઈએ છીએ કે જેના માટે જવાબદાર આપણે પોતે જ હોઈએ છીએ.

        એક વખત એક પિતા શિક્ષકને પોતાનું દસ વર્ષનું બાળક સિગારેટ પીએ છે તેની ફરિયાદ કરતા હતા. ત્યારે શિક્ષકે વાતને બધી બાજુએથી તપાસતા પૂછ્યું તમને ખબર કેમ પડી કે તમારું બાળક સિગારેટ પીએ છે?ત્યારે પિતાએ જવાબ આપ્યો,મેં તેને ધુમ્રપાન કરતાં મારી સગી આંખે જોયો છે. તેણે મને જોતાં જ સિગારેટ ફેંકી દીધી, પછી મેં એને સમજાવ્યો છતાં ના સુધરતાં એકવાર તો ખૂબ માર્યો પણ ખરો પરંતુ તેની ટેવ જતી નથી. શિક્ષકે તરત બીજો સવાલ કર્યો,પિતાને પૂછ્યું તમે સિગારેટ પીવો છો ?પિતાનો જવાબ “હા” હતો.શિક્ષકે વળી  સવાલ કર્યો ક્યારેય બાળકને દુકાન પર લેવા મોકલો છો? તેનો જવાબ પણ” હા” જ હતો. બસ શિક્ષકે તરત કહ્યું હવે આમાં બાળકનો વાંક મને દેખાતો નથી. શિક્ષકનો આવો જવાબ સાંભળી આશ્ચર્ય સાથે તરત પિતા બોલ્યા, વાંક નથી? કેમ? શિક્ષકે સમજાવતા કહ્યું, તમને ધુમ્રપાન કરતા તેણે જોયા, ને ધુમ્રપાન કરતા શીખ્યો. તમે તેને તે જગ્યા બતાવી જ્યાંથી સિગારેટ મળે છે. હવે છેલ્લે પીવાનું બાકી હતું તે તેને જાતે શીખી લીધું.

      કંઈક આમ જ બાળકમાં કુટેવનો પગપેસારો થાય છે. બાળકના જીવનના ઘડતરની શરૂઆત ઘરથી થાય છે. તો ઘરનું વાતાવરણ બાળક માટે સંસ્કારનો મહાસાગર બને તેવું રાખવાથી તમારા બાળકને તમે ભણતર સાથે ગણતરમાં પણ ઉચ્ચ પદવી અપાવી શકશો.

     બાળકના બાળપણનો મોટાભાગનો આધાર તેની માતા છે. માતા બાળકને ધારે તેવો આકાર આપી તેનું ઘડતર કરી શકે છે. આ સુંદર ઘાટ સાથે બસ શાળાએ જતા બાળકને જો યોગ્ય દિશાદર્શક ગુરુ મળી જાય તો બાળકનો બેડો પાર.

       બાળકના ઉછેર વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમ કે ……

“સ્વીકાર”

       સૌપ્રથમ તો બાળક જેવું છે તેનો “સ્વીકાર” કરો. દુનિયામાં એવા કેટલાય દંપતિ છે જેને બાળકો વગર જીવન વિતાવ્યું છે. જેને ઈશ્વર બાળકોરૂપી સુંદર ભેટ આપવાનું ભૂલી ગયો છે. ત્યારે, તમને મળેલી ભેટ અમૂલ્ય અને અકલ્પ્ય છે.

      ઘણા વર્ષ પહેલાં રાજકોટમાં એક બાળકનો જન્મ થયો. તેને આંખો ન હતી .તાળવું ન હતું. નાક પણ નહીં. માનસિક રીતે અપંગ કાન પણ હતા નહીં. ટૂંકમાં, કહી શકાય કે બાળકનું એક પણ અંગ જોતા ક્યાંયથી તે જીવ “માણસ” દેખાતો  ન હતો. બાળકનું આગમન થયું ડોક્ટરે તેના માતાપિતાને બોલાવીને કહ્યું કે બાળકમાં કશું છે જ નહીં,આપણે તેને શાંત કરી દઈએ.

     ત્યારે તેના દાદાએ ડોક્ટરને સુંદર જવાબ આપ્યો, ઈશ્વરે બાળક અમને અમારામાં વિશ્વાસ મૂકીને જ આપ્યું. તેને અમે મોટો કરીશું તેને શાંત નથી કરવો તે બાળકનું નામ ઉત્તમ રાખ્યું.ઘરના દરેક વ્યક્તિએ બેસીને નક્કી કર્યું કે આ બાળકને આપણે ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાનો છે. આ બાળક ધીમે ધીમે મોટો થયો. તેને દસ-બાર બોર્ડની પરીક્ષા આપી. કોલેજ કરી. પીએચડી કર્યું. આ બાળકનું નામ છે “ઉત્તમ મારુ” .અત્યારે આ બાળક ચિત્રમાં હોશિયાર, લેખનમાં હોશિયાર,રમતમાં હોશિયાર ને આવી તો કેટલી સિદ્ધિઓ તેને હાંસલ  કરી છે.આ એ બાળક કે જેને ભૂતકાળમાં ડોક્ટરોએ કહેલું,કે આ બાળકને શાંત કરી દેવું છે.

     એ બાળક રાજકોટમાં બાલશ્રી એવોર્ડ વિજેતા બન્યો. અને તેમનો પરિવાર આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે બાળકનો ઉછેર મહત્વનો છે બાળકને ઈશ્વર ગમે તેવી રીતે આપે આપણે એનો સ્વીકાર કરવાનો છે. બાળકમાં રહેલી સુષુપ્તશક્તિને યોગ્ય સમય, પ્રેરણા અને વાતાવરણ આપવાથી ખીલવાની જ  છે તે નક્કી છે.    ટાભાગના માતાપિતા બાળકની ભૌતિક જરૂરિયાતો પૂર્ણ કરી સંતોષ મેળવે છે પરંતુ સાચું સંતોષ તો જ્યારે તમારું બાળક જીવનના મૂલ્યોને વ્યવહારિકતાની એરણ પર બેલેન્સ સાથે સંભાળી શકે ત્યારે માનવો ઘટે.

ગમતાનો ગુલાલ

Your children wants

your presence,

More than your presents.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!