ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની આજે 92મી પુણ્યતિથિ
ત્રણ નાયકો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હતા. 23 માર્ચે તેઓને બ્રિટીશ સરકારે ફાંસી આપી હતી
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી
લેખક :દીપક જગતાપ
ભારતમાં દર વર્ષે 23 માર્ચનો દિવસ ‘શહીદ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના યુવાન સ્વાતંત્ર્યસેનાનીઓ અને દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની પુણ્યતિથિ હોઈ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1928માં, સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયનું બ્રિટિશ પોલીસે કરેલા લાઠીમારમાં મૃત્યુ થતાં એનો બદલો લેવાનું ભગતસિંહે નક્કી કર્યું હતું. લાલા લજપત રાયે સાઈમન પંચ વિરુદ્ધ અહિંસક આંદોલન કર્યું હતું, પરંતુ એ વખતે જેમ્સ સ્કોટ નામના બ્રિટિશ પોલીસ અધિકારીએ લાઠીમારનો આદેશ આપ્યો હતો. એમાં ઈજાગ્રસ્ત થતાં લાલાજીનું મૃત્યુ નિપજ્યું હતું.
તે હત્યાનો બદલો લેવાનું અને જેમ્સ સ્કોટને મારી નાખવાનું ભગતસિંહ તથા એમના અન્ય બે સાથી રાજગુરુ અને સુખદેવે નક્કી કર્યું હતું. ભગતસિંહે સ્કોટને મારી નાખવાનું જાહેરમાં કહ્યું હતું. પરંતુ, ત્રણેય યુવાનોએ બ્રિટિશ પોલીસ અધિકારી જોન સોન્ડર્સને ભૂલમાં જેમ્સ સ્કોટ સમજી લીધા હતા અને એમને ગોળી મારી હતી. સોન્ડર્સનું મૃત્યુ થયું હતું. બ્રિટિશ સરકારે સોન્ડર્સની હત્યા કરવાનો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર આરોપ મૂક્યો હતો. બાદમાં, 1929માં, ભગતસિંહ અને એમના સાથીઓએ દિલ્હીમાં સેન્ટ્રલ એસેમ્બ્લીમાં બે માત્ર અવાજ કરે અને ધૂમાડો ફેલાવો એવા બોમ્બ ફેંક્યા હતા અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’, ‘ક્રાંતિ અમર રહે’ નારા લગાવીને ધરપકડ વહોરી લીધી હતી.
1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ શાસન દ્વારા બ્રિટિશરોના અંકુશવાળા ભારતના લાહોર શહેરની જેલમાં ફાંસી આપી હતી. સમગ્ર ભારતમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું અને ત્યારથી દર વર્ષે 23 માર્ચે ભારતમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે.
આજે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની આજે 92મી પુણ્યતિથિ છે ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી
આમ જોવા જઈએ તો ભારતમાં શહીદ દિનની ઉજવણીવર્ષ મા બે વખત કરવામાં આવે છે. પ્રથમ 30 જાન્યુઆરીએ અને બીજો 23 માર્ચનાં દિવસે. આ બંને દિવસોમાં, આપણે દેશની રક્ષામાં પોતાનો બલિદાન આપનારા સૈનિકોને યાદ કરીએ છીએ. 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામા આવતી હોય છે જયારે 23 માર્ચે ભારતનાં ત્રણ યુદ્ધ લડવૈયાઓ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનાં બલિદાનની સ્મૃતિ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જો કે આપણા દેશને અંગ્રેજોની પકડમાંથી મુક્ત કરવામાં ઘણા સ્વતંત્રતા સેનાનીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમ છતાં, તેમાંના આ ત્રણ એવા વીરપુરુષો છેજેમની શહાદતને ચોક્કસ યાદ કરવી પડે.જેઓ ક્યારેય બ્રિટીશરો સામે ઘૂંટણીયે બેઠા નથી. તેઓએ અસાધારણ ભૂમિકા નિભાવતા ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ભારતને આઝાદ કરવા દરેક શક્ય વસ્તુ અજમાવી જોઇ હતી. આ ત્રણ નાયકો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હતા. 23 માર્ચે તેઓને બ્રિટીશ સરકારે ફાંસી આપી હતી. તેમની દેશભક્તિની ભાવના અને લડાકુ વલણને કારણે, તે આજે પણ ભારતનાં યુવાનો માટે પ્રેરણારૂપ સ્ત્રોત માનવામાં આવે છે.
અંગ્રેજોનાં રાજમાં ભારતનાં આ વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુઆ નવા યુવાનોએ ખૂબ જ નાની ઉંમરે, તેમણે હિંમતભેર પોતાના દેશની આઝાદી માટે પોતાના જીવનું બલિદાન આપ્યુ હતુ.
1907ની 28 સપ્ટેમ્બરે જન્મેલા ભગતસિંહ કિશોરવયથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને બ્રિટિશરોના દમન સામે તેમણે જે સાહસ બતાવ્યું હતું તેને કારણે ભગતસિંહ હંમેશ માટે યુવાનોના આદર્શ બની ગયા.
1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.
1929ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.
ભગતસિહે કહ્યું હતું કે “ઇન્કલાબીઓએ મરવાનું જ હોય છે, કેમ કે તેમના મરવાથી જ તેમનું અભિયાન મજબૂત થાય છે, કોર્ટમાં અપીલથી નહીં.”
ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસીની તૈયારી માટે તેમની કોટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પોતાના હાથ જોડ્યા અને પોતાનું પ્રિય આઝાદી ગીત ગાવા લાગ્યા-
કભી વો દિન ભી આયેગા
કિ જબ આઝાદ હમ હોંગે
યે અપની હી જમીં હોગી
એ અપના આસમાં હોગા.
ભગતસિંહ આ ત્રણેયની વચ્ચે ઊભા હતા. ભગતસિંહ પોતાના માતાને આપેલું એ વચન પૂરું કરવા માગતા હતા કે તેઓ ફાંસીના માંચડેથી ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો પોકારશે.
લાહોર જિલ્લા કૉંગ્રેસના સચિવ પિંડીદાસ સોંધીનું ઘર લાહોર સેન્ટ્રલ જેલની પાસે જ હતું. ભગતસિંહે એટલા જોરથી ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો પોકાર્યો કે તેનો અવાજ સોંધીના ઘર સુધી સંભળાયો હતો.તેમનો અવાજ સાંભળીને જેલના અન્ય કેદીઓ પણ નારો પોકારવા લાગ્યા. ત્રણેય યુવા ક્રાંતિકારીઓના ગળામાં ફાંસીની રસ્સી નાખવામાં આવી. તેમના હાથ-પગ બાંધી દેવાયા. ત્યારે જલ્લાદે પૂછ્યું, સૌથી પહેલા કોણ આવશે?
સુખદેવે સૌથી પહેલા ફાંસી પર લટકવાની હા ભણી. જલ્લાદે એક-એક કરીને રસ્સી ખેંચી અને તેમના પગ તળેથી રાખેલો તખ્તો પાટુ મારીને ખસેડી દેવાયો. ઘણા સમય સુધી તેમના મૃતદેહો માંચડા પર લટકતા રહ્યા.અંતમાં તેને નીચે ઉતારાયા અને ત્યાં હાજર ડૉક્ટરો લેફ્ટનન્ટ કર્નલ જે.જે. નેલ્સન અને લેફ્ટનન્ટ કર્નલ એન.એસ. સોધીએ તેમને મૃત જાહેર કર્યા
1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બાદમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ જ જગ્યાએ સ્મારક બનાવવામાં આવ્યું છે.
ફાંસી પહેલા ભગતસિંહે એક પત્ર લખ્યો હતો, જેમાં આઝાદીનું મૂલ્ય સમજાવતા દેશના યુવાઓને આંદોલનનો ભાગ બનવા માટે કહ્યું હતું. ઉર્દૂમાં લખવામાં આવેલ આ પત્રમાં લખવામાં આવ્યું છે કે “જીવવાની ઈચ્છા મને પણ હોવી જોઈએ, હું તેને છુપાવા ઈચ્છતો નથી . આજે એક શરત પર જીવિત છું. હવે હું કેદ થઈને જીવવા ઈચ્છતો નથી. મારું નામ હિન્દુસ્તાની ક્રાંતિનું પ્રતિક બની ચૂક્યું છે. ક્રાંતિકારી દળોના આદર્શ અને કુરબાનીઓએ મને ખૂબ જ ઉંચું પદ આપ્યું છે, એટલુ ઉંચું કે જીવિત રહેવાની સ્થિતિમાં તે કદાચ ક્યારેય ન થઈ શકે. આજે મારી નબળાઈઓ જનતા સામે આવી નથી. પરંતુ જો ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિનુ પ્રતિક ફિક્કુ થઈ જશે. એવું પણ થઈ શકે છે કે તે દૂર પણ થઈ જાય. મારા હસતા હસતા ફાંસી પર ચઢવા પર દેશની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ થવાની આશા કરશે. જેથી આઝાદી માટે કુરબાની આપનારની યાદી એટલી વધશે કે ક્રાંતિને રોકવી અશક્ય થઈ જશે.”
આજે શહીદ દિન નિમિત્તે ભારતના લોકો શહીદોના બલિદાનને યાદ કરે છે અને તેમને સલામ કરે છે. આ ઉપરાંત દેશનાં વિશેષ લોકો એકઠા થાય છે અને પ્રતિમાઓ અને મૂર્તિઓ પર ફૂલ અર્પણ કરી શહીદોને યાદ કરે છે. આ સિવાય દેશની સશસ્ત્ર સૈન્ય પણ દેશનાં સૈનિકોને માનભર્યા સલામી આપે છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ડિબેટ, ભાષણો, કવિતાઓ, પાઠો અને નિબંધો જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને દેશનાં શહીદો જવાનોને યાદ કરવામા આવે છે. આજે દેશનો બાળક પણ જાણે છે કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો અને પછી આપણને આઝાદી મળી હતી. આવી સ્થિતિમાં, લોકોનાં દિલમાં શહીદો માટે આદર ઉત્પન્ન કરવાની જાગૃતિને કારણે શહીદ દિવસ દર વર્ષે ચોક્કસ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરીને આપણે આપણા શહીદોને શ્રદ્ધાંજલિ જ નહીં, પણ આજની પેઢી અને યુવા પેઢીને તે શહીદોનાં જીવન અને બલિદાનનો પરિચય આપીએ છીએ.આજના શહીદ દિને આ ત્રણેક્રાંતિવીર શહીદોને હદયપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલિ…