અહેવાલ જયદીપ દરજી , હરીશ જોશી , કપડવંજ
મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડ્યા: ‘જય શ્રી રામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું વાતાવરણ
ચૈત્ર માસના પાવન દિવસોમાં સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીજેર ગામે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગામના શ્રી બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે મોટીજેર ગામમાં ભગવાન રામની શોભાયાત્રાની આ પરંપરા દાયકાઓ જૂની છે. વર્ષ ૧૯૭૫થી શ્રી બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા અવિરતપણે આ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત શ્રદ્ધા સાથે નીકળેલી આ યાત્રામાં ગામના તમામ વિસ્તારોમાં રામલલ્લાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા દરમિયાન સમગ્ર ગામ ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. માર્ગમાં ઠેર-ઠેર ગ્રામજનો દ્વારા ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં નાના બાળકો, યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં જોડાઈને દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
આ ભવ્ય ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શિસ્તબદ્ધ રીતે અને ભક્તિસભર માહોલમાં આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.



