જગદિશ પ્રજાપતિ
અરવલ્લી
ફરજમાં બેદરકારી દાખવવા બદલ જીલ્લા પોલીસ અધિક્ષકે બાયડ પોલીસના બીટ જમાદાર વિષ્ણુંભાઈ ચૌધરી અને ડી સ્ટાફના કનુસિહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ મથક વિસ્તારમાં એલસીબીએ નારાજીના મુવાડા (બોરલ) ગામે હાઉસ રેડમાં ઝડપેલા દારૂના જથ્થા મામલે અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ કડક પગલાં ભરી બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે પોલીસ વિભાગમાં આ કડક કાર્યવાહીથી જીલ્લા પોલીસ તંત્રમાં ફફડાટ સાથે ચર્ચાનો માહોલ સર્જાયો છે.
વધું પ્રાપ્ત માહિતી મુજબ, જીલ્લા એલસીબી પોલીસે બાયડ તાલુકાના બોરોલ નજીક નારાજીના મુવાડા ગામે હાઉસ રેડ કરતાં મકાનની દિવાલની બાજુમાં લાકડાં અને ઘાસચારાની આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. એલસીબી પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ. 8.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થતાં જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ બાયડ પોલીસ મથકના બીટ જમાદાર વિષ્ણુંભાઈ ચૌધરી અને ડી સ્ટાફમાં ફરજ બજાવતા કનુસિહ સોલંકીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
જીલ્લા પોલીસ અધિક્ષકે આ કડક કાર્યવાહી કરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મામલે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં હાલ આ સમગ્ર ઘટના બાબતે વધું તપાસ હાથ ધરવામાં આવી છે.


