મોટીજેર ,કપડવંજ
તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ શનિવાર
એકલવ્ય વિધાવિહાર પ્રા. શાળા મોટીઝેર ખાતે ભારતીય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યોને ઉજાગર કરતું માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ અભિયાન અંતર્ગત માતૃ-પિતૃ પૂજન દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિ સંસ્કારોની સરવાણી છે અને તેમાં માતા-પિતાને ઈશ્વરતુલ્ય માનવાની પરંપરા અવિરત રહી છે. આ વિચારને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાનો આદરપૂર્વક સન્માન કરી પૂજન કર્યું હતું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર, પૂજ્યભાવ અને સેવાના સંસ્કારોનું સિંચન થયું હોવાનું સંચાલકો દ્વારા જણાવાયું હતું.
આ સાથે શાળામાં વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂરક મૂલ્યાંકન–૨ની ઉત્તરવહી અવલોકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શાળાના તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલા વાલીઓ તથા ૨૩૫ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર આયોજન શાળાના શિક્ષકમંડળના માર્ગદર્શન અને વાલીઓના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું, જે શિક્ષણ સાથે સંસ્કારના સંવર્ધન તરફ શાળાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
આ અંગે શાળાના ટ્રસ્ટી હસમુખ ઝાલા, આચાર્ય ગિરીશ ભાઈ સોલંકી અને શાળા પરિવારે ઉપસ્થિત તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો


