ભારતમાં યોજાનારી લોકસભાની ચુંટણીમાં ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામોની યાદી પ્રસિદ્ધ કરી દીધી છે. જેમાં કેટલાક ચાલુ સાંસદ સભ્યોની ટિકિટ કપાતા અંદરખાને વિરોધનો સૂર જણાઈ આવ્યો હતો. જેમાં સૌથી ચર્ચાસ્પદ વડોદરા બેઠક રહી જ્યાં સતત ત્રીજી વખત સાંસદ માટે રંજનબેન ભટ્ટ ની પસંદગી થતાં નારાજગી બહાર આવી હતી અને ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડયાએ ભ્રષ્ટાચાર ના આરોપો મૂક્યા હતા. ભાજપે તાત્કાલિક સસ્પેન્ડ કરીને ચોંકાવી દીધા હતા.
તો બીજી તરફ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પણ કમલમ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે મુલાકાત બાદ સમાધાન થયું હતું.
વડોદરામાં ઠેરઠેર પોસ્ટર વિરોધ બાદ અચાનક જ રંજનબેન ભટ્ટે ચૂંટણી
લડવાની અનિચ્છા દર્શાવતા હકીકત બહાર આવી.
સાબરકાંઠા માટે મેઘરજના ભિખાજી ઠાકોરને ટિકિટ મળતા અગ્રણી નેતાઓ અને આગેવાનોમાં ગુપ્ત રીતે નારજગીના સૂર સંભળાયા હતા. યેનકેન પ્રકારે મામલો બહાર ન આવે તે માટે મિટિંગો યથાવત હતી પણ આજે ભિખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી લડવાનો ઇનકાર કરતાં સમગ્ર હકીકત બહાર આવી.
હવે વડોદરા અને સાબરકાંઠા લોકસભાની ટિકિટ મેળવવા માટે અગ્રણી નેતાઓ એડીચોટીનું જોર લગાવવા ભરપૂર પ્રયત્ન કરશે. પણ જ્યાં સુધી આંતરિક વિખવાદને જાણ્યા વગર મોવડી મંડળ નિર્ણય લેવાનું જોખમ લેશે કે નહી તે જોવાનું રહ્યું !
હવે હોળી ધૂળેટીના પર્વ બાદ જ ઉમેદવાર જાહેર કરશે તેવું લાગી રહ્યું છે ત્યાં સુધી ટોચના નેતાઓ પ્રદેશ કાર્યાલય સુદીના આંટાફેરા કરતાં નજરે ચડશે તો નવાઈ નહીં !

