IPL 2024ની સિઝન અને હોળીનો તહેવાર મતલબ રંગ અને ઉંમગનો ‘ડબલ ડોઝ‘. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન “હીટ મેન” રોહિત શર્માનું ફોર્મમાં હોવું, મતલબ ‘સોને પે સુહાગા‘. ગુજરાત સામે પહેલી મેચમાં હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ ખેલાડી પોતાના પ્રદર્શનથી ચોક્કસથી ખુશ છે અને તેની ખુશી હોળીના દિવસે જોવા મળી હતી. રોહિતે હોળીની મોજ-મસ્તી સાથે મજેદાર રીતે ઉજવણી કરી હતી.
સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા પોતાના ક્રિકેટ કરિયરમાં જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે ક્યારેય મસ્તી કરવાનો કોઈ મોકો છોડતો નથી. ચાહકો છેલ્લા ઘણા સમયથી તેનો આ લુક જોઈ રહ્યા છે અને IPL 2024ની સિઝનમાં પણ તે તેની આ સ્ટાઈલ બતાવવામાં નિષ્ફળ ગયો નથી. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાંથી હટાવવાને કારણે રોહિત ભલે નાખુશ દેખાતો હોય, પરંતુ તેણે મુંબઈ ઈન્ડિયન્સની હોળીની ઉજવણીમાં પોતાનું આનંદી સ્વરૂપ બતાવ્યું.
રોહિત શર્મા હોળીના રંગમાં રંગાયો
સોમવાર 25 માર્ચે, હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. દેશવાસીઓએ એકબીજાને ગુલાલમાં રંગીને અને આનંદથી નાચીને તહેવારની ઉજવણી કરી હતી. ક્રિકેટરો પણ આમાં કેવી રીતે પાછળ રહી શકે? તેઓએ રંગો સાથે હોળી પણ ઉજવી. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો આવો જ એક નાનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પાઈપ લઈ બધા પર પાણી નાખી રહ્યો છે. રોહિત પોતે હોળીના રંગમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. તેણે વીડિયો બનાવી રહેલા મુંબઈ ઈન્ડિયન્સની મીડિયા ટીમના સભ્ય પર પણ પાઈપમાંથી પાણી રેડ્યું, જેને જોઈને બધા હસી પડ્યા હતા.