અંકલેશ્વર: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ગુજરાતના અંકલેશ્વરમાં એક રહેણાંક પરિસરમાં ગુપ્ત રીતે ચાલી રહેલી મેફેડ્રોન (MD) ઉત્પાદન લેબનો પર્દાફાશ કરી તેને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે ડ્રગ્સના ઉત્પાદન અને તસ્કરીના નેટવર્ક સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુપ્ત માહિતીના આધારે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન DRIના અધિકારીઓએ અત્યાધુનિક સાધનોથી સજ્જ ગેરકાયદેસર પ્રયોગશાળા ઝડપી હતી. સ્થળ પરથી ઈન્ડસ્ટ્રીયલ ઓવન ડ્રાયર, હોટ પ્લેટ હીટર્સ, કન્ડેન્સર એસેમ્બલી, ઇલેક્ટ્રિક સ્ટરર સહિત મેફેડ્રોનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા વિવિધ લેબોરેટરી સાધનો મળી આવ્યા હતા.
દરોડા દરમિયાન ઘન સ્વરૂપમાં 1.349 કિલોગ્રામ મેફેડ્રોન, 6.825 કિલોગ્રામ 2-બ્રોમો-4-મેથિલપ્રોપિયોફેનોન (નિયંત્રિત પ્રિકર્સર કેમિકલ), 120 લિટર મોનોમિથાઈલએમાઈન (MMA), 60 કિલોગ્રામ હાઇડ્રોબ્રોમિક એસિડ (HBr), 40 લિટર ટોલ્યુઈન તેમજ HBr અને HClના મિશ્રણ ધરાવતા બે કન્ટેનર મળી આવ્યા હતા. તમામ સામગ્રી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) અધિનિયમ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવી છે.
તપાસ દરમિયાન આરોપીઓના રહેણાંક સ્થળેથી ₹20 લાખની રોકડ મળી આવી હતી, જે ડ્રગ્સના ગેરકાયદે વેપારની આવક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ હાથ ધરાયેલી ફોલો-અપ કાર્યવાહીમાં મેફેડ્રોનનો માલ લેવા આવેલા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેના પાસેથી ₹1 લાખની રોકડ મળી આવી હતી. આમ કુલ ₹21 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.
DRIના જણાવ્યા અનુસાર મેફેડ્રોન, જેને સામાન્ય ભાષામાં ‘મ્યાઉં મ્યાઉં’, ‘MD’, ‘M-Cat’ અથવા ‘ડ્રોન’ તરીકે ઓળખવામાં આવે છે, તે અત્યંત વ્યસનકારક કૃત્રિમ સાયકોટ્રોપિક પદાર્થ છે. NDPS અધિનિયમ હેઠળ તેના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, પરિવહન અને તસ્કરી પર પ્રતિબંધ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ લેબમાં ઉપલબ્ધ આધુનિક સાધનો અને મોટા પ્રમાણમાં એકત્રિત કરવામાં આવેલા રસાયણો પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ મોટા પાયે મેફેડ્રોનના ઉત્પાદનની તૈયારીમાં હતા. DRIની સમયસરની કાર્યવાહીથી આ ગેરકાયદે નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ડ્રગ્સના સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે
.
