અહેવાલ તસવીર
જયદીપ દરજી , હરીશ જોશી – કપડવંજ
રાજસ્થાનથી નડિયાદ જતો વિદેશી દારૂનો જથ્થો કપડવંજમાં આંતરતી સ્ટેટ મોનીટરીંગ સેલ
૧૪૭૦ બોટલ દારૂ અને વેગન-આર કાર સહિત કુલ ૮ લાખનો મુદ્દામાલ જપ્ત: PSI સિસોદિયાની ટીમે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું
કપડવંજ, શનિવાર
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ કપડવંજમાં મોટી કાર્યવાહી કરી છે. કપડવંજના સંગમ પુલ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ વેગન-આર કારને આંતરી તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, SMC ગાંધીનગરના PSI જે.એચ. સિસોદિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની વેગન-આર કારમાં વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનથી વાયા કપડવંજ થઈ નડિયાદ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે ટીમે કપડવંજના સંગમ પુલ પાસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતા જ તેને કોર્ડન કરીને અટકાવવામાં આવી હતી.
પોલીસ ટીમે કારની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૪૭૦ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને હેરાફેરીમાં વપરાયેલી કાર મળી અંદાજિત ૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ જથ્થો છેક રાજસ્થાનથી ભરીને નડિયાદના બુટલેગરોને પહોંચાડવાનો હતો. જેમાં ત્રણ ઇસમોને ઝડપીને પોલીસે વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
SMC દ્વારા કરવામાં આવેલી આ સીધી રેડને કારણે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, રાજ્યની સ્પેશિયલ ટીમ જ્યારે સ્થાનિક વિસ્તારમાં આવીને આટલો મોટો જથ્થો પકડે છે.હાલમાં પોલીસે ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર શખ્સો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.


