વિક્રમ સંવત ૨૦૮૩ ની શરૂઆત થઈ ગઈ છે. નવું વર્ષ એટલે નવી શરૂઆત, નવા સંકલ્પો અને આત્મચિંતનનો સમય. એક દિવસ આપણે બધાએ વિક્રમ સવંત ૨૦૮૨ નો હિસાબ માંડવો જોઈએ. આખા વર્ષમાં આપણે શું કર્યું, શું ના કર્યું અને શું કરવાનું રહી ગયું? જ્યાં ભૂલો થઈ છે, ક્ષતિઓ રહી ગઈ છે, તેને સુધારીને આગળ વધવાનો સંકલ્પ લેવો જોઈએ.
મનુષ્ય જીવન એ બીજા તમામ જીવોથી વિશેષ છે. ઈશ્વરે આપણને બુદ્ધિ આપી છે, વિવેક આપ્યો છે. પરંતુ આજનો મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી માત્ર એક જ વસ્તુનો વિચાર કરે છે – મેં શું કમાયું? ધન, દોલત, માન-મોભો, ઈજ્જત, પદ-પ્રતિષ્ઠા… આ બધું મેળવવાની હોડમાં તે એટલો અટવાઈ ગયો છે કે શું સાચું અને શું ખોટું, શું યોગ્ય અને શું અયોગ્ય એ પણ ભૂલી ગયો છે.
આજે દરેક વ્યક્તિ બીજા કરતા આગળ નીકળી જવાની દોટમાં છે. સૌથી વધુ પૈસાદાર બનવું છે, સૌથી વધુ વૈભવશાળી જીવન જીવવું છે. આ માટે નૈતિક મૂલ્યોને પણ પાછળ મૂકી દીધા છે. તન, મન અને ધન બધું જ વાપરી નાખ્યું છે. અને જ્યારે આ બધું મળી જાય છે, ત્યારે ખબર પડે છે કે તેને ભોગવવા માટે હવે તનમાં તાકાત નથી, મનમાં શાંતિ નથી અને ધન પણ કામનું નથી. આટલી મહેનત પછી અંતે એક જ સવાલ થાય છે – મનુષ્ય અવતાર શા માટે મળ્યો હતો અને મેં એની સાથે શું કર્યું ??? અને ત્યારે હાથમાં રહે છે માત્ર અફસોસ….!!
એટલા માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને ગુરુવર્યોએ એક મહાન ઝુંબેશ ચલાવી છે – “માણસને માણસ બનાવવાની”.
મંદિર એ કોઈ પથ્થરનું મકાન નથી, તે શાંતિ મેળવવાનું કેન્દ્ર છે. ત્યાં પગ મૂકતાની સાથે જ આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ થાય છે.
આ સંપ્રદાયની એક વિશેષતા એ છે કે બ્રહ્મસ્વરૂપ પ.પૂ. યોગીજી મહારાજની દીર્ઘદ્રષ્ટિથી “રવિસભા” ની શરૂઆત થઈ. બાલ- બાલિકા સભા, યુવક-યુવતી સભા, મહિલા સભા અને સંયુક્ત સભાઓ દ્વારા માત્ર સાંપ્રદાયિક જ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવાની કળા શીખવાય છે. વચનામૃતના આધારે સંતશ્રીઓ જીવન ઉપયોગી અર્થઘટન કરીને આપણને સમજાવે છે કે જીવનનું સાચું મૂલ્ય શું છે.
સંતશ્રીઓ એક જ વાત પર ખાસ ભાર મૂકે છે – *”પાછા વળીને જોવું”*. ધંધા-નોકરીમાં આપણે નફા-નુકસાનનો હિસાબ રાખીએ છીએ. તો જીવનમાં કેમ નહીં ? સામાજિક, આર્થિક, અભ્યાસ, સત્સંગ અને આપણા સમગ્ર જીવનમાં આપણે પાછા વળીને જોવું જોઈએ.
કલાકો સુધી સંતોના પ્રવચનો સાંભળીને, સભાઓમાં બેસીને આપણે શું મેળવ્યું ? જો ઊંડાણથી વિચારીએ તો ખબર પડશે કે સંતોએ આપણા સ્વભાવ, વર્તન અને વાણી બદલી નાખ્યા છે. શું ખાવું, શું ના ખાવું, શું બોલવું, શું ના બોલવું – આ વિવેક શીખવ્યો છે. ઘણા લોકોના જીવન બદલાઈ ગયા. વ્યસની વ્યક્તિ વ્યસન મુક્ત થઈ, નાસ્તિક આસ્તિક બન્યો, વર્તન અને વ્યવહાર સુધરી ગયા.
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે લાખો લોકોના જીવન પરિવર્તન કર્યા છે. દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકો આજે પવિત્ર અને આધ્યાત્મિક જીવન જીવે છે. સદીઓ જૂની વ્યસનની પ્રથાઓ નાબૂદ થઈ છે. આ બધું “પાછા વળીને જોઈએ” તો જ સમજાય.
સંતશ્રીઓ સતત પ્રયાસ કરી રહ્યા છે કે સાચા સંસ્કારોનું સિંચન થાય, આધ્યાત્મિક સંસ્કૃતિનું જતન થાય અને માણસ ખરેખર માણસ બને.
મનુષ્ય અવતાર આત્માના કલ્યાણ માટે મળ્યો છે. પરંતુ આજે આપણે શું કરી રહ્યા છીએ ? આ સવાલનો જવાબ આપણે દરેકે “પાછા વળીને” શોધવાનો છે.
તો ચાલો, નવા વર્ષ ૨૦૮૩ ની શરૂઆતમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે, આ વર્ષે આપણે માત્ર દુનિયામાં કમાવા નહીં, પરંતુ આપણા જીવનનો સાચો અર્થ સમજવા માટે જીવીશું.
બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ ‘ચંદ્ર’
અમદાવાદ
