
સમસ્ત દરજી સમાજ માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. બાયડ દરજી સમાજના મૂળ ડાભા ગામના વતની અને વર્ષોથી અમદાવાદના વિરાટનગર ખાતે સ્થાયી થયેલા કિરણભાઈ રાજુભાઈ દરજીને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે બઢતી મળ્યા બાદ હવે મહત્વનું પોસ્ટિંગ સોંપવામાં આવ્યું છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા તાજેતરમાં ૨૫૪ પોલીસ ઈન્સ્પેક્ટરોની પ્રમોશન સાથેની બદલીઓના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અરવલ્લી જિલ્લાના ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે હાલ ફરજ બજાવી રહેલા કિરણભાઈ આર. દરજીની નિમણૂક CID ક્રાઇમ શાખામાં કરવામાં આવી છે.હવે પછી તેઓને ડિવિઝન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે..
ઉલ્લેખનીય છે કે, કિરણભાઈ અગાઉ PSI તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યા હતા, જે બાદ તેમને PI તરીકે બઢતી આપવામાં આવી હતી. આજે જાહેર થયેલા પોસ્ટિંગમાં તેમને સીઆઈડી ક્રાઈમ જેવી મહત્વની શાખામાં જવાબદારી સોંપાતા તેમના પરિવારજનો, દરજી સમાજના અગ્રણીઓ અને મિત્રવર્તુળમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કિરણભાઈની આ સિદ્ધિ બદલ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા તેમને રૂબરૂ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેઓ આગામી સમયમાં પોલીસ બેડામાં રહીને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

