લાયન્સ ક્લબથી મામલતદાર કચેરી સુધી યોજાઈ ભવ્ય રેલી: કેસરીયો માહોલ છવાયો
ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય રાજેશ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ
અહેવાલ તસવીર – જયદીપ દરજી , હરીશ જોશી – કપડવંજ
કપડવંજ નગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે કપડવંજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે મામલતદાર કચેરીએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા.
ચૂંટણી ફોર્મ ભરતા પૂર્વે કપડવંજ લાયન્સ ક્લબ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો એકઠા થયા હતા. અહીંથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલે અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેના કારણે સમગ્ર માર્ગ કેસરીયા રંગમાં રંગાયો હોય તેવું પ્રતીત થતું હતું.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ કાર્યકરો અને ઉમેદવારોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસના મુદ્દે ચૂંટણી લડે છે અને આ વખતે પણ જનતાના આશીર્વાદથી ભવ્ય વિજય થશે.
ખેડા જિલ્લા પંચાયતની કપડવંજ તાલુકાની 6 બેઠકો તેમજ કપડવંજ નગરપાલિકાના વિવિધ વોર્ડના ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં મામલતદાર કચેરી ખાતે જઈને પોતાના ફોર્મ સબમિટ કર્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
ભાજપના આ શક્તિ પ્રદર્શનને પગલે વિરોધ પક્ષોમાં પણ દોડધામ મચી ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે કપડવંજની જનતા વિકાસના આ રથને કેટલો પ્રતિસાદ આપે છે.


