અહેવાલ – હરીશ જોશી, કપડવંજ
ખેડા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને કપડવંજ તાલુકાની 6 બેઠકો પર ઉમેદવારી નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારોની યાદી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે અને દરેક બેઠક પર ટક્કર રસપ્રદ બનવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજ વિસ્તારની બેઠકો — અલવા , આંબલીયારા, અંતિસર, આંત્રોલી, બેટાવાડા અને લેટર બેઠક પર વિવિધ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (અંતિસર અને બેટાવાડા) વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યારે અપક્ષ ઉમેદવારો પણ મજબૂત રીતે મેદાનમાં ઉતર્યા છે.
આજની સ્થિતિએ કપડવંજ વિસ્તારની બેઠકોમાં અલવા બેઠક પર ૫ ફોર્મ , આંબલીયારા બેઠક પર ૪ ફોર્મ , અંતિસર બેઠક પર ૫ ફોર્મ , આંત્રોલી બેઠક પર ૫ ફોર્મ , બેટાવાડા બેઠક પર ૬ ફોર્મ અને લેટર બેઠક પર ૩ ફોર્મ ભરી ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
દરેક બેઠક પર સરેરાશ 3 થી 6 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જે ચૂંટણીને વધુ સ્પર્ધાત્મક બનાવે છે. કેટલીક બેઠકો પર એક જ પક્ષના વધુ ઉમેદવારો હોવાને કારણે આંતરિક અસંતોષ અને મત વિભાજનની શક્યતાઓ પણ વધી છે.
ઉમેદવારોમાં પુરુષો સાથે મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી જોવા મળી રહી છે, જે સ્થાનિક સ્વરાજમાં મહિલા સશક્તિકરણની દિશામાં સકારાત્મક સંકેત આપે છે.
હાલ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા ચાલુ છે. અંતિમ ઉમેદવાર યાદી જાહેર થયા બાદ પ્રચાર અભિયાન વધુ તેજ બનશે. ગામડાઓમાં રસ્તા, પાણી, આરોગ્ય અને વિકાસના મુદ્દાઓ મુખ્ય ચર્ચાનો વિષય બનશે.
સૌથી ચર્ચામાં મુદ્દો ત્રણ બેઠકો પર આયાતી ઉમેદવારોનો ગાજી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંદરખાને આયાતી ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે પણ ખુલીને કોઈ બહાર આવતું નથી પણ ચોક્કસ મતદાનમાં કંઈક અજુગતું પરિણામ આવશે તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
આ ચૂંટણીમાં મતદારોનો ઝુકાવ કઈ દિશામાં રહે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે દરેક બેઠક પર પરિણામોમાં ચોંકાવનારા ફેરફારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

