અહેવાલ – હરીશ જોશી , કપડવંજ
કપડવંજ નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલાં જ રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ઉભેલા અસંતોષે હવે ખુલ્લો બળવો ધારણ કર્યો છે, અને અનેક આગેવાનો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતાં ચૂંટણીમાં જોરદાર રસાકસી સર્જાવાની શક્યતાઓ મજબૂત બની છે.
વોર્ડ નંબર 1માં ગત ટર્મમાં ભાજપમાંથી જીતેલા વર્ષાબેન કલ્પેશભાઈ પંચાલ, જેઓ અઢી વર્ષ સુધી નગરપાલિકાના પ્રમુખપદે રહ્યા હતા, તેમને આ વખતે ટિકિટ ન મળતા તેમના પતિ કલ્પેશકુમાર મનસુખલાલ પંચાલે ખુલ્લો બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ પગલાએ ભાજપ માટે આ બેઠક પર ચિંતાના વાદળો ઊભા કર્યા છે.
વોર્ડ નંબર 4માં પૂર્વ સદસ્ય શાહ નીતિન કનૈયાલાલને 60 વર્ષની ઉંમરનો નિયમ લાગુ પડતા ટિકિટ ન મળતાં તેમણે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જે ભાજપ માટે વધુ એક ઝટકો માનવામાં આવી રહ્યો છે.
વોર્ડ નંબર 5માં પૂર્ણિમાબેન અલ્પેશભાઈ જોશીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. સાથે જ ગત ચૂંટણીમાં ભાજપમાંથી જીતેલા અને પૂર્વ કારોબારી ચેરમેન અલ્પેશભાઈ ભૂદરભાઈ પંડ્યાની ટિકિટ કાપતાં તેઓ પણ બળવાખોર બની અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે, જેનાથી આ વોર્ડમાં ત્રિપાંખીયો મુકાબલો નિશ્ચિત બની રહ્યો છે.
વોર્ડ નંબર 6માં ભાજપ સંગઠનના મહામંત્રી નયન પટેલનું નામ ટિકિટ માટે આગળ હોવા છતાં તેમને અવગણવામાં આવતા તેમણે પોતાની પત્ની નેહાબેનના નામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ સાથે ખેડા જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ટીમના પૂર્વ સભ્ય અને કપડવંજ વિધાનસભા પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મોન્ટુકુમાર ભગવતીપ્રસાદ ભટ્ટે પણ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે.
આ તમામ ઘટનાઓને કારણે કપડવંજ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે આંતરિક અસંતોષ મોટું પડકાર બની શકે છે. અપક્ષ ઉમેદવારોની વધતી સંખ્યા અને બળવાખોર વલણને કારણે ચૂંટણીનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.
હવે નજર રહેશે કે ભાજપ આ બળવાખોરોને કેવી રીતે સંભાળે છે અને મતદારો કઈ દિશામાં પોતાનો ઝુકાવ દર્શાવે છે. એક વાત સ્પષ્ટ છે કે કપડવંજમાં આ વખતે ચૂંટણી માત્ર મતદાન નથી, પણ રાજકીય અસ્તિત્વની લડાઈ બની રહી છે.
જોવાનું રહ્યું કે શું કપડવંજ શહેરના રાજકીય નેતાઓ પોતાની ઉમેદવારી પરત ખેંચશે કે નહીં !! આ અસ્તિત્વની લડાઈને જોરદાર ટક્કર આપશે કે નહીં તેના પર નગરના મતદારોની નજર છે.

