સત્ય વિચાર દૈનિક

કપડવંજ રૂરલ પોલીસે 12.10 લાખના દારૂ સાથે બે આરોપીઓને ઝડપ્યા

કપડવંજ રુરલ પોલીસ ટીમ દ્વારા દારૂ સાથે બે ઇસમોને ઝડપ્યા

અહેવાલ  તસવીર – હરીશ જોશી, કપડવંજ

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોહી અને જુગાર સંબંધિત ગુનાઓ પર લગામ કસવા જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત કપડવંજ રૂરલ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકીના સુચન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પટેલના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.

દરમિયાન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે પાંખીયા ત્રણ રસ્તા અને મોતીપુરા પાટીયા વચ્ચે એક સફેદ રંગની હુન્ડાઇ ક્રેટા કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના 1584 ક્વાર્ટર અને 432 બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 4,02,336 ગણવામાં આવી છે.

પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ પ્રકાશ શિવરામ ડાંગી (રહે. ભેસડાકલા, તા. માવલી, જી. ઉદયપુર, રાજસ્થાન) અને લાલુરામ ચુનીલાલ ગાયરી (રહે. થામલા, તા. ઘાસા, જી. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હુન્ડાઇ ક્રેટા કાર (રૂ. 8,00,000) તથા એક મોબાઇલ ફોન (રૂ. 8,000) કબ્જે કરવામાં આવ્યા હતા. આ રીતે કુલ રૂ. 12,10,336નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર વિષ્ણુ ડાંગી (રહે. ઉદયપુર) ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં પી.આઈ. એમ.જે. પટેલ, પી.એસ.આઈ. પી.જે. રાવલ તથા હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ, મનુભાઈ, હાર્દિકકુમાર, નરેશભાઈ અને જયસિંહ સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. પોલીસની આ કામગીરીને લઈને વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!