સાઠંબા તાલુકાના આમોદરામાં હુમલાનો ભોગ બનેલા દિવ્યાંગ યુવાનનું સારવાર દરમિયાન મોત, વાલ્મિકી સમાજમાં રોષ

સાઠંબા તાલુકાના આમોદરામાં હુમલાનો ભોગ બનેલા દિવ્યાંગ યુવાનનું સારવાર દરમિયાન મોત, વાલ્મિકી સમાજમાં રોષ


જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

સાઠંબા તાલુકાના આમોદરા ગામે અસામાજિક તત્વોના હુમલાનો ભોગ બનેલા દિવ્યાંગ વાલ્મિકી સમાજના યુવાન જગદીશભાઈનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોક અને રોષની લાગણી પ્રસરી છે. શુક્રવાર, 24 જુલાઈના રોજ થયેલા હુમલામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શરૂઆતમાં યોગ્ય સારવાર મળી શકી નહોતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાથમાં ઇન્ફેક્શન ફેલાતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

મૃતક જગદીશભાઈ બાયડ-ચોઇલા માર્ગ પર આવેલા જાહેર શૌચાલયમાં સફાઈ કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતાં વાલ્મિકી સમાજના આગેવાનો બાયડ પોલીસ મથકે પહોંચ્યા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી.

પોલીસ તંત્રએ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ, મૃતદેહ ગામે પહોંચતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આમોદરા ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વાલ્મિકી સમાજે મૃતકને ન્યાય અપાવવા અને હુમલાખોરોને કડક સજા કરવાની માંગ ઉઠાવી છે. પોલીસ તપાસ આગળ વધતાં સમગ્ર ઘટનામાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!