કપડવંજમાં ડોક્ટર સોની, બાવીશી વાળા દવાખાનાની તપાસ દરમ્યાન 66,400 નો મુદા માલ જપ્ત કરાયો

કપડવંજમાં ડોક્ટર સોની, બાવીશી વાળા દવાખાનાની તપાસ દરમ્યાન 66,400 નો મુદા માલ જપ્ત કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાતના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ ધોળીકૂઇ, કપડવંજ ખાતે મદદનીશ કમિશનર નડિયાદ કચેરીના અધિકારીઓ દ્વારા મળેલ બાતમીના આધારે– “નાના બાળકો માટે રતવાની દવા”ના નામે દવાના વિના પરવાને ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર. ગુજરાતના કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ નડિયાદ વિભાગની પ્રવર ઔષધ નિરીક્ષક કુ. ભૂમિ વી. પટેલ તથા ઔષધ નિરીક્ષક વિશાલ આર. રૂપાપરા દ્વારા બાતમીના આધારે ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું, ધોળીકૂઈ, કપડવંજ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન સ્થળ પર આશરે 100 મિ.લી. ક્ષમતાની પારદર્શક પ્લાસ્ટિકની બોટલોમાં લાલ રંગનું પ્રવાહી ભરેલો આશરે 160 બોટલનો જથ્થો, કોઈપણ પ્રકારના લેબલ વિના વેચાણ/વિતરણ માટે સંગ્રહ કરેલ મળી આવ્યો હતો. સ્થળ પરથી “રતવાની દવા”ના લેબલ તથા આશરે 1000 ખાલી બોટલો તથા વિટામીન B Complex ની દવાના 4.5 લીટરના 92 જેટલા ભરેલા પ્લાસ્ટિકના કન્ટેનર તેમજ વપરાયેલ ખાલી કન્ટેનર પણ મળી આવ્યા હતા. તપાસ દરમ્યાન કુલ રૂ. 66,400 નો મુદા માલ જપ્ત કરવામાં આવેલ છે.

વધુમાં તપાસ દરમિયાન દવાખાનાના જવાબદાર વ્યક્તિ ડો. શુભમ સુનિલકુમાર સોની (B.H.M.S.) દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, તેઓ છેલ્લા આશરે પાંચ વર્ષથી દવાખાનું ચલાવે છે અને અમદાવાદની પેઢી પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન પાસેથી તેઓ દ્વારા ખરીદવામાં આવતા Vitamin-B Complex, “ENGE PLEX” Mfg by – M/s. Euphoria Pharmaceuticals, Mumbai ના 4.5 લીટર કારબામાંથી આ પ્રવાહી દવા તેઓ પોતાના દવાખાનામાં જ 100 મિ.લી.ની ખાલી બોટલોમાં તેનું રીપેકિંગ કરીને અને પોતાનું લેબલ લગાવી દર્દીઓને આપતા હતા. અને જે બદલ દર્દી પાસેથી અલગથી રૂ.80/- નો ચાર્જ વસૂલવામાં આવતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તપાસ દરમિયાન ડો. સોની દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે સદર પ્રવાહી દવાના ઉત્પાદન માટે ઉત્પાદન પરવાનો તથા પ્રોડક્ટ પરમીશન ઉપલબ્ધ નથી, તેમજ બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, ઉત્પાદન સંબંધિત દસ્તાવેજો, વેચાણ બિલ/કેશમેમો, સ્ટોક રજીસ્ટર વગેરે જાળવવામાં આવતા નથી. વધુમાં, બોટલ ઉપર દવાનું નામ, Composition, Batch No., Manufacturing Date, Expiry Date, Manufacturing Licence No. વગેરે વિગતો દર્શાવવામાં આવતી ન હોવાનું પણ તેમના નિવેદનમાં જણાવાયું છે.આ કાર્યવાહી દરમિયાન જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી, સ્થળ પરથી મળેલ સંબંધિત જથ્થો જપ્ત કરવામાં આવ્યો તથા શંકાસ્પદ દવાના નમૂનાઓ નિયમોનુસાર પૃથક્કરણ અર્થે લેવામાં આવેલ છે. જે પ્રયોગશાળા પરીક્ષણના પરિણામો તથા તપાસમાં પ્રાપ્ત થતી અન્ય હકીકતોના આધારે Drugs and Cosmetics Act, 1940 તથા Drugs and Cosmetics Rules, 1945 હેઠળ લાગુ પડતી જોગવાઈઓ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વધુમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે એક્ષપર્ટ પીડીયાટીશિયનની સલાહ સિવાય છ માસથી નાના બાળકો માટે માતાના દૂધ સિવાય ઉપરનો કોઈપણ ખોરાક કે દવા/પ્રવાહી દવા નો ઉપયોગ કરવો તે બાળકના સ્વાસ્થ્ય માટે હીતાવહ નથી.


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!